મંદી સામે હારી જિંદગીઃ બિલ્ડરે કરી આત્મહત્યા
અમદાવાદ, 18 જૂનઃ અમદાવાદના થલતેજ વિસ્તારમાં રહેતા અને જમીન દલાલીના ધંધા સાથે જોડાયેલા બિલ્ડર હર્ષદ પટેલે ભારે દેવું થઇ જતાં આજે બપોરે સોલા ઓવર બ્રિજ ખાતે ટ્રેન નીચે પડતું મુકીને આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની જાણ થતાં તેમના પરિવારજનો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં કન્સ્ટ્રક્શનના ધંધામાં મંદી આવતા તેમણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી અનુસાર બિલ્ડર હર્ષ પટેલ પોતાની ઑડી કારમાં ડ્રાઇવર સાથે નિકળ્યા હતા અને સોલા રેલવે ફાટક પહોંચ્યા હતા. જ્યાં ચાની કિટલી પાસે ચારથી પાંચ સિગારેટ પીધા બાદ તેઓ ટ્રેનનો અવાજ સંભળાતા જ સીધા રેલવે ફાટક તરફ દોડ્યા હતા અને ટ્રેન નીચે પડતું મુકી દીધું હતું. ટ્રેન ફરી વળતાં તેમના શરીરના ટૂકડે ટૂકડાં થઇ ગયા હતા. સ્થાનિક રહિશો અને ચાની કિટલી પાસે ઉભેલા લોકો ઘટના સ્થળ તરફ દોડ્યાં હતા અને બનાવ અંગે જાણ કરી હતી. સોલા પોલીસ બાતમી મળતા ઘટના સ્થળે પહોંચી હતી અને હર્ષદ પટેલના શરીરના ટૂકડા એકઠા કરી સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા.
બિલ્ડર હર્ષદ પટેલે આત્મહત્યા કરી હોવાની જાણ થતાં જ બિલ્ડર્સ ગ્રૃપમાં સન્નાટો છવાઇ ગયો હતો અને હર્ષદ પટેલના મિત્રો, પરિજનો, બિલ્ડર્સ અને જમીન દલાલો સોલા સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. મળતી માહિતી અનુસાર હર્ષદ પટેલે આત્મહત્યા કરતા પહેલા પોતાના એક મિત્ર સાથે વાત કરી હતી જ્યારે તેમના પત્ની અને દિકરો બહારગામ ગયા હતા. આ બન્ને મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સોલા પોલીસ હર્ષદ પટેલની આત્મહત્યાનું કારણ જાણવા પૂછપરછ કરી રહી છે.












Click it and Unblock the Notifications
