કોર્ટના આદેશ બાદ ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો
ગોંડલમાં ચકચારી રાજકુમાર જાટના શંકાસ્પદ મૃત્યુ કેસમાં એક મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. કેસની તપાસમાં નિર્ણાયક પગલું ભરતાં, ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર FSL ખાતે કરવામાં આવ્યો છે.

ગણેશ જાડેજાએ આ ટેસ્ટ માટે પોતે સહમતિ આપી હોવાથી કોર્ટે પણ મંજૂરી આપી હતી. નાર્કો ટેસ્ટ પહેલાં, ત્રણ દિવસ સુધી તેમના અલગ અલગ પ્રાથમિક ટેસ્ટ કરાયા હતા, અને ત્યારબાદ આજે મુખ્ય નાર્કો ટેસ્ટ લેવાયો છે.
આ કેસમાં રાજકુમાર જાટને ટક્કર મારનારી ખાનગી બસના ડ્રાઈવરનો નાર્કો ટેસ્ટ કરાશે નહીં. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બસ ચાલકની ઉંમર વધુ હોવાને કારણે અને તેમની શારીરિક સ્થિતિ નાર્કો ટેસ્ટ જેવી પ્રક્રિયા માટે અનુકૂળ ન હોવાથી તેમને આ પ્રક્રિયામાંથી બાકાત રખાયા છે. આમ, હવે તમામ મદાર ગણેશ ગોંડલના ટેસ્ટ રિપોર્ટ પર રહેશે.
એક તરફ પોલીસ સત્ય શોધવા મથી રહી છે, ત્યારે બીજી તરફ આ કેસમાં સામાજિક અને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા એક નવી માંગણી કરવામાં આવી છે. સમર્થકોનું કહેવું છે કે નિષ્પક્ષ તપાસ માટે માત્ર ગણેશ ગોંડલ જ નહીં, પરંતુ મૃતક રાજકુમાર જાટના પિતાનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ.
આ કેસ અંગે વિગતે વાત કરીએ તો, 9 માર્ચના રોજ ગોંડલના યુવક રાજકુમાર જાટ (મૂળ રાજસ્થાનના) નો મૃતદેહ રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પરથી મળી આવ્યો હતો. રાજકુમાર ગુમ થયાની નોંધ 6 માર્ચે નોંધાઈ હતી. તેમના પિતા રતનલાલ જાટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમારને માર મારવાનો ગંભીર આરોપ મૂક્યો હતો.












Click it and Unblock the Notifications
