રાજ્યના આદિવાસીઓને આરોગ્ય સેવા-સુવિધાઓ ઉપલ્બધ કરાવવા સરકાર કટિબદ્ધ-આરોગ્ય મંત્રી
રાજ્યમાં મેડિકલ કૉલેજ સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં હાલ ૪0 મેડિકલ કૉલેજમાં MBBS UG ની 6950 અને PG ની 2650 જેટલી મેડિકલ બેઠક ઉપલ્બધ છે.
વર્ષ 2027 સુધીમાં PPP મોડલ પર 10 નવીન મેડિકલ કૉલેજમાં અંદાજિત 1500 જેટલી યુજીની વધું બેઠકો ઉપલબ્ધ બનશે. આમ રાજ્યમાં MBBS યુજીની અંદાજીત 8500 જેટલી બેઠકો અને પીજી તબીબોની 5000 જેટલી બેઠકો ઉપલબ્ધ બનશે.

વિધાનસભામાં મેડિકલ કૉલેજના બાંધકામની ગુણવત્તા સંદર્ભે પુછાયેલ પ્રશ્નમાં તેમણે જણાવ્યુ કે, રાજ્યની પ્રત્યેક આરોગ્ય સંસ્થાના બાંધકામ NABH ના માપદંડો પ્રમાણે જ કરવામાં આવી રહ્યાં છે. જેની પારદર્શક ચકાસણી માટે PMC (Project Management Committee)ની નિમણૂક કરાઇ છે. જે સ્થળ ચકાસણી કર્યા બાદ જ ગુણવત્તાનું પ્રમાણપત્ર આપે છે. જેમાં કોઇ પણ પ્રકારની ખામી ચલાવી લેવામાં આવતી નથી.
કેન્દ્રીય પુરસ્કૃત યોજના ફેઝ-3 અંતર્ગત મંજુર થયેલ નવી 05 મેડીકલ કોલેજો થયા બાદ રાજ્ય સરકાર દ્વારા નવી અન્ય કોઈ મેડીકલ કોલેજો માટેના આયોજન સંદર્ભે તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 06 સરકારી, 13 GMERS, 03 કોપોરેશન તથા 17 સેલ્ફ ફાઈનાન્સ તથા 01 AIIMS મળીને કુલ-૪0 મેડીકલ કોલેજો છે. આ ૪0 મેડીકલ કોલેજોમાં હાલમાં MBBSની 6950 બેઠકો ઉપલબ્ધ છે.
રાજ્યના કુલ-33 જિલ્લાઓ પૈકી કુલ-રપ જિલ્લાઓમાં મેડીકલ કોલેજો કાર્યરત છે, બાકી રહેતા 08 જિલ્લાઓ બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર, તાપી અને ડાંગ ખાતે મેડીકલ કોલેજ સત્વરે બનાવવાનું આગામી આયોજન છે. તાપી ખાતે રાજય સરકારની આરોગ્ય નીતી-2016 અંતર્ગત બ્રાઉન ફીલ્ડમાં મેડીકલ કોલેજ બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે.
ત્રણ જિલ્લાઓ બોટાદ, ગીરસોમનાથ અને દેવભૂમિ દ્રારકા ખાતે નવી મેડીકલ કોલેજ શરૂ કરવા માટે અરજદારો પાસેથી અરજીઓ મંગાવવાની જાહેરાત 19/08/2023ના રોજ આપવામાં આવેલ હતી.
અન્ય જિલ્લાઓ અરવલ્લી, ડાંગ, છોટા ઉદેપુર, મહીસાગર, આણંદ, અને ખેડા ખાતે આરોગ્ય નીતી-2016 અંતર્ગત બ્રાઉન ફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવા વર્તમાન પત્રોમાં જાહેરાત આપવા અંગેની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે.
આમ રાજ્યના તમામ જિલ્લાઓમાં દર્દીઓને અદ્યતન અને શ્રેષ્ઠત્તમ તબીબી સારવાર મળી રહે તથા રાજ્યના તેજસ્વી વિધાર્થીઓને પોતાના જિલ્લાઓમાં તબીબી શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
NMC પ્રતિ કોલેજને 150 બેઠકની મંજુરી આપતું હોય છે. જેને ધ્યાને લેતાં આ 10 જિલ્લામાં 1500 બેઠકોનો વધારો આવનારા સમયમાં થવાની સંભાવના છે.
આદિવાસી વિસ્તારમાં મેડિકલ સેવાઓ સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે, રાજ્યના આદિવાસીઓ બંધુઓને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવા-સુવિધાઓ ઉપલ્બધ કરાવવા સરકાર કટિબદ્ધ છે.
વ્યારા જિલ્લાના સંદર્ભમાં તેમણે જણાવ્યુ કે, તાપી જિલ્લાની વ્યારા જનરલ હોસ્પિટલને બ્રાઉન મેડિકલ હોસ્પિટલમાં PPP ઘોરણે પરિવર્તિત કરીને આદિવાસી બંધુઓને પણ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ ઘર આંગણે ઉપલ્બધ કરાવવાનું રાજ્ય સરકારનુ જનહિતલક્ષી આયોજન છે.
આ બ્રાઉનફિલ્ડ હોસ્પિટલમાં પરિવર્તિત થયા બાદ હોસ્પિટલમાં 300 બેડ સુધીદાખલ દર્દીઓને હંમેશા સંપુર્ણપણે નિ:શુલ્ક સારવાર, સેવા અને સર્જરી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા યોજના અંતર્ગત 10 લાખ સુધીની સારવાર દરેક કાર્ડ ધારકના પરિવારને સંપૂર્ણપણે નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવવા આવે છે. તાપી જિલ્લામાં પ્રવર્તમાન સ્થિતિએ 3,85,255 આયુષ્માન કાર્ડ ધારકો છે.












Click it and Unblock the Notifications
