Gram sabha gujarat : ૨ ઓક્ટોબરે ગુજરાતના ૧૫ જિલ્લાના ૪૨૪૫ ગામોમાં ગ્રામસભા યોજાશે
Gram sabha gujarat : મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજના વિચારને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી ૨જી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ ગુજરાતના ૧૫ આદિવાસી જિલ્લાના કુલ ૪,૨૪૫ ગામોમાં એકસાથે મહા ગ્રામસભા'નું આયોજન કરવામાં આવ્યું છે.
૧૭ સપ્ટેમ્બરથી શરૂ થયેલા અને ગાંધી જયંતિ સુધી ચાલનારા આદિ કર્મયોગી અભિયાન હેઠળ આદિ સેવા પર્વની ઉજવણીના સમાપન રૂપે આ ગ્રામસભા યોજાશે.

ગુજરાત આદિવાસી સંશોધન-તાલીમ સોસાયટી ગાંધીનગરના ડાયરેકટર ડૉ. સી.સી. ચૌધરીએ આપેલી માહિતી મુજબ, આ આદિ સેવા પર્વ દરમિયાન આદિજાતિ વિકાસ વિભાગ સહિત આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ, વન-પર્યાવરણ, પંચાયતી રાજ જેવા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ આદિવાસી ગામોમાં પહોંચ્યા છે.
ગ્રામજનો સાથે મળીને તેમણે વિલેજ વિઝન બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા ગામની જરૂરિયાતો, અપેક્ષાઓ અને સમસ્યાઓ જાણવા માટે ટ્રાન્સેક્ટ વૉક (ગામ પદયાત્રા) પણ કરી.
ખેતી, પશુપાલન, વન, શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી, અને રોજગાર જેવી પાયાની જરૂરિયાતોની ચર્ચા-વિચારણાના આધારે વિલેજ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રામીણ સહભાગી ચકાસણી (PRA) દ્વારા સામાજિક સંસાધન મેપ પણ બનાવાયા છે.
મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ ૨જી ઓક્ટોબરના રોજ યોજાનારી આ મહા ગ્રામસભામાં સરકારી અધિકારીઓ અને ગ્રામીણ લોકો ભેગા થશે. આ ગ્રામસભામાં તૈયાર કરાયેલા વિલેજ એક્શન પ્લાન અને વિલેજ વિઝન-૨૦૩૦ને મંજૂરી આપવામાં આવશે અને ઠરાવ પણ કરવામાં આવશે.
આ સમગ્ર અભિયાનનો મુખ્ય હેતુ સેવા, સમર્પણ અને સંકલ્પની ભાવના દ્વારા આદિવાસીઓમાં ક્ષમતા નિર્માણ અને લોકકેન્દ્રિત શાસન પ્રણાલી સ્થાપિત કરવાનો છે.












Click it and Unblock the Notifications
