અમદાવાદના IT અધિકારીએ જીતી 42.2 કિમીની લદ્દાખ મેરેથોન દોડ
અમાદાવાદમાં આવકવેરા વિભાગના અધિકારી વિજય કુમાર સિંહે લેહમાં આયોજીત લદ્દાખ મેરેથોન દોડમાં વિજય મેળવ્યો છે. 10 સપ્ટેમ્બરના રોજ થયેલ આ 42.2 લાંબી મેરેથોન દોડ વિજય કુમારે 3 કલાક, 50 મિનિટ, 33 સેકન્ડમાં પૂરી કરી હતી. આ દોડમાં 29 દેશોના 5800 દોડવીરોએ ભાગ લીધો હતો, આ તમામ સ્પર્ધકોને પછાડતાં વિજય કુમાર સિંહે આ દોડમાં જીત મેળવી હતી. વિજય કુમાર સિંહ આવકવેરા વિભાગમાં એડિશનલ કમિશ્નર છે.
મેરેથોનમાં ત્રણ શ્રેણીઓમાં દોડ થઇ હતી - લદ્દાખી, ઓપન અને વેટર્ન. વિજય કુમાર સિંહે ઓપન શ્રેણીમાં પહેલું સ્થાન મેળવ્યું હતું. આ જીત પર વાત કરતાં તેમણે કહ્યું હતું કે, દોડમાં જ્યાં સુધી નીચે ઉતરવાનું હતું, એમાં ખાસ મુશ્કેલી ન નડી. પંરતુ છેલ્લા 5 કિમીમાં ઉપરની તરફ સીધી ચઢાઇ હતી, જે ખાસું કપરું કામ હતું. આ દોડનો સૌથી મુશ્કેલ સમય રહ્યો.
વર્ષ 2004ના આઇઆરએસ અધિકારી વિજય કુમાર સિંહ વર્ષ 2014થી અમદાવાદમાં ફરજ બજાવે છે. આ 44 વર્ષીય અધિકારી મુંબઇ મેરેથોન, દિલ્હી હાફ મેરેથોન, સાબરમતી મેરેથોન, બેંગલુરુ મેરેથોન અને ગોવા રિવર મેરેથોન સહિત 15 મેરેથોનમાં ભાગ લઇ ચૂક્યા છે. 2012માં નાગપુરની નેશનલ એકેડમી ઓફ ડાયરેક્ટ ટેક્સમાં ફરજ બજાવતી વખતે તેમણે માત્ર પોતાના શોખના ભાગ તરીકે લાંબી દોડની શરૂઆત કરી હતી, જે આદત તેમણે હજુ સુધી ચાલુ રાખી છે. તેઓ ભારત બહાર વિદેશમાં પણ મેરેથોનમાં ભાગ લઇ ચૂક્યા છે.