Gujarat Bharti: રાજ્યમાં 2 લાખથી વધુને મળશે સરકારી નોકરી! સરકારે 10 વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું
Gujarat Government: રાજ્ય સરકારે જણાવ્યું છે કે, 2024થી લઈને 2033 સુધીમાં કુલ 2,06,396 નવી ભરતીઓ કરવામાં આવશે. આ ભરતી વિવિધ વિભાગોમાં થશે જેમાં ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને ગૃહ વિભાગમાં સૌથી વધુ તકો ઉપલબ્ધ થશે. સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા સુધારામાં 4582 નવી પોસ્ટ ઊભી કરવામાં આવી છે, જ્યારે કેટલીક જરૂરીયાત ન હોવાને કારણે 2570 પોસ્ટ નાબૂદ કરવામાં આવી છે.

Gujarat Bharti: ભરતી પ્રક્રિયામાં વધુ કાર્યક્ષમતા લાવવા માટે કુલ 55 કેડરને ભેળવીને 23 કેડર બનાવવામાં આવ્યા છે. હાલમાં રાજ્યમાં કુલ 3158 કેડર-સંવર્ગ છે, જેમાંથી 173 કેડરની સ્ટ્રેન્થનું પુનરાવલોકન પણ કરવામાં આવ્યું છે. આગામી દસ વર્ષમાં કુલ 599 કેડરમાં ભરતી હાથ ધરાશે.
રાજ્ય સરકાર દ્વારા અનેક સેવાઓ ઓનલાઇન કરવામાં આવી
છેલ્લાં કેટલાક વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા અનેક સેવાઓ ઓનલાઇન અને ઓટોમેટેડ કરવામાં આવી છે. પરિણામે કેટલાક વિભાગોમાં માનવીય સંસાધનની જરૂરિયાત ઘટી છે. છતાં પણ યુવાનોને રોજગારની તક મળે તે માટે અનેક નવા પદો ઊભા કરવામાં આવ્યા છે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને ગૃહ વિભાગમાં ભરતીની સૌથી વધુ તકો ઉપલબ્ધ થશે.
સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ, નાબૂદ કરાયેલા પદોમાં મુખ્યત્વે આરોગ્ય, ગૃહ અને ઉદ્યોગ વિભાગનો સમાવેશ થાય છે. તેમ છતાં આગામી વર્ષોમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં નવી તકોનું પ્રમાણ અત્યંત ઊંચું રહેશે.
શિક્ષણ વિભાગમાં સૌથી વધુ ભરતી કરાશે
શિક્ષણ વિભાગમાં આગામી દસ વર્ષ દરમિયાન 63,615 પ્રાથમિક શિક્ષકો, 20,223 અપર પ્રાઇમરી શિક્ષકો અને 547 મુખ્ય શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ કારણે લાંબા સમયથી પ્રાથમિક શિક્ષક ભરતી માટે રાહ જોતા ઉમેદવારોને મોટી રાહત મળશે.
પોલીસમાં મોટી સંખ્યામાં ભરતી થવાની છે
ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગમાં પણ નવા પદો ઊભા કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગમાં પોલીસ દળની કામગીરીને મજબૂત કરવા માટે મોટી સંખ્યામાં ભરતી થવાની છે. આરોગ્ય વિભાગમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ માટે તકો ઊભી થશે.
જગ્યા ખાલી પડે તેમ નવી ભરતી હાથ ધરાશે
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ આ ભરતી કેલેન્ડર ફાઇનલાઇઝ્ડ થયા બાદ હવે દરેક વિભાગને દર વર્ષે ભરતીની જાહેરાત કરવાની રહેશે. જેમ જેમ કર્મચારીઓ નિવૃત્ત થાય અથવા જગ્યા ખાલી પડે તેમ નવી ભરતી હાથ ધરાશે.












Click it and Unblock the Notifications
