Gujarat Budget 2021: બે લાખ નવી ભરતીની નાણામંત્રી નીતિન પટેલે કરી જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાતના ઉપ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં ગુજરાત સરકારનુ વર્ષ 2021-21 માટેનુ નાણાકીય બજેટ રજૂ કર્યુ છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી છે. જેમાં આગામી પાંચ વર્ષમાં બે લાખ નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સરકારી કચેરી,, બોર્ડ કૉર્પોરેશન, અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અંદાજે બે લાખ યુવાનોની નવી ભરતી માટે છે.
વળી, નાણામંત્રી નીતિન પટેલે આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, એન્જિનિયરીંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આઈટી, પ્રવાસન, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ, બેકિંગ અને સર્વિસ સેક્ટરમાં 20 લાખ રોજગારી ઉભી કરવાની પણ જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે બજેટની શરૂઆત નાણામંત્રી એક કવિતા વાંચીને કરી હતી જેમાં કહેવામાં આવ્યુ હતુ કે, 'અડીખમ છીએ અને છીએ મક્કમ અમે, પ્રજાનો છે સાથ અમને, ગુજરાતને અમે નવી ઉંચાઈએ લઈ જવાના, સૌના સાથ અને વિશ્વાસથી આગળ વધી જવાના અમે.' આ ઉપરાંત તેમણે કોરોના મહામારીમાં સરકારની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે નાણામંત્રી નીતિન પટેલે 2 લાખ 27 હજાર 029 કરોડ રૂપિયાનુ બજેટ રજૂ કર્યુ. જેમાં શિક્ષણ વિભાગ માટે 32 હજાર 719 કરોડ, આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ માટે 11 હજાર 323 કરોડ, મહિલા બાળ વિકાસ માટે 3511 કરોડ, પાણી પુરવઠા વિભાગ માટે 3972 કરોડ, ગ્રામ વિકાસ માટે 8795 કરોડ, શહેરોમાં નવા મકાન બાંધવા માટે 13,493 કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડ, ઉર્જા- પેટ્રોકેમિકલ્સ માટે 13034 કરોડ, મધ્ય કદના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે નવી ઔદ્યોગિક નીતિ હેઠળ 1500 કરોડની જોગવાઈ કરી છે.
'તાજમહેલ કરતાં પણ વધુ લોકો સ્ટેચ્યુ ઑફ યુનિટીને જોવા આવ્યા'