સોનિયા ગાંધીને બંગલે કોંગ્રેસની બેઠક, અલ્પેશ અને પાસ સામ-સામે

Written By:
Subscribe to Oneindia News

શુક્રવારે બપોરે આખરે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઇ હતી. ત્યાર બાદ કોંગ્રેસ પણ એક્શનમાં આવી ગઇ છે. કોંગ્રેસ 16 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરનાર હતી, પરંતુ એવું થયુ નહીં. હવે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતાં સામે ટક્કરના ઉમેદવારો મુકવાની તજવીજમાં કોંગ્રેસ પરોવાઇ છે. શુક્રવારે સાંજે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને નિવાસસ્થાને આ માટે બેઠક યોજાઇ હતી, જેમાં પૂર્વ પીએમ મનમોહન સિંહ, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અહમેદ પટેલ, મોહનસિંહ રાઠવા, જીતુ પટવારી, રાજીવ સાટવ વગેરે જેવા નેતાઓ હાજર રહ્યા હતા. ઉમદેવારોની યાદીને અંતિમ ઓપ આપવા માટે આ બેઠક મળી હોવાનું કહેવાઇ રહ્યું છે. કોંગ્રેસ શનિવારના રોજ સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરે એવી શક્યતા છે.

congress

તો બીજી બાજુ અહમદ પટેલના બંગલે પાસ કોર કમિટિ અને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરને સામ-સામે બેસાડી બેઠક થઇ હોવાના પણ સમાચાર છે. નોંધનીય છે કે, અનામતના મુદ્દે કોંગ્રેસના વિકલ્પોનો સ્વીકાર કરવો કે નહીં એ નિર્ણય લેવા માટે પાસ કોર કમિટિના સભ્યો શુક્રવારે સવારે દિલ્હી ગયા હતા, કોંગ્રેસ તરફથી અલ્પેશ ઠાકોરને પણ દિલ્હી આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. દિલ્હીમાં આ બંનેને સામ-સામે બેસાડીને કોંગ્રેસે બેઠક યોજી હતી. અલ્પેશ ઠાકોરે વિધાનસભા ચૂંટણીમાં 12 બેઠકોની માંગણી કરી છે, જે અંગે કોંગ્રેસ હજુ મૂંઝવણમાં છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ શનિવારે વડોદરાની મુલાકાત લેનાર છે, એ દરમિયાન પાસ અને હાર્દિક પટેલ આ ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપશે કે કેમ એ અંગે સ્પષ્ટતા થવાની શક્યતા સેવાઇ રહી છે. આ બધા વચ્ચે કોંગ્રેસ ઉમેદવારોની યાદીનો કોયડો કઇ રીતે અને કેટલો જલ્દી ઉકેલે છે, એ જોવું રહ્યું.

English summary
Gujarat Election 2017: Congress likely to announce candidates list on Saturday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.