
ગુજરાત ચૂંટણી 2017: 6 મથકો પર રવિવારે થશે પુનઃમતદાન
ગુરૂવારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું હતું અને ત્યાર બાદ સૌ આતુરતાથી ચૂંટણીના પરિણામોની રાહ જોઇ રહ્યાં છે. જો કે, તાજેતરની માહિતી અનુસાર, 10 મતદાન મથકોએ વીવીપેટની કાઉન્ટિંગ સ્લિપ થકી ગણતરી કરવામાં આવશે. વિસનગર, બેચરાજી, મોડસા, વેજલપુર, વેજલપુર, વટવા, જમાલપુર-ખાડિયા, સાવલી અને સાંખેડા મતદાન મથકોએ ઉપરોક્ત પદ્ધતિથી મતગણતરી કરવામાં આવશે. આ સિવાય 6 મતદાન મથકો પર પુનઃમતદાન યોજવામાં આવશે. 17 ડિસેમ્બર અને રવિવારના રોજ વડગામ, વિરમગામ, દસક્રોઇ અને સાવલી સહિતના 6 મતદાન મથકો પર પુનઃમતદાન કરવામાં આવશે. આ અંગે ચૂંટણી પંચ દ્વારા શનિવારે બપોરે માહિતી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં બંને તબક્કાના મતદાન દરમિયાન વિવિધ વિસ્તારોમાં ઇવીએમ મશીન ખોટકાયા હોવાના સમાચાર આવ્યા હતા. કોંગ્રેસ અને બીજા કેટલાક પક્ષના નેતાઓ ઇવીએમ મશીન સાથે છેડછાડનો આરોપ પણ લગાવી રહ્યાં છે. કોંગ્રેસની માંગણી છે કે, ઇવીએમ અને વીવીપેટના 25 ટકા મત ક્રોસ વેરિફાય કરવામાં આવે. આ માટે તેમણે શુક્રવારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા કોંગ્રેસની આ અરજી નકારાઇ હતી, આમ છતાં તેઓ ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં જવાના હોવાના સમાચાર છે.