
Gujarat Election: ડાંગના એક આખા ગામે કર્યો મતદાનનો બહિષ્કાર, કહ્યુ - રોડ અને પુલ નહિ તો વોટ નહિ
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના ચાલી રહેલા મતદાન વચ્ચે રાજ્યમાં એક ગામ એવુ છે જ્યાં આખેઆખા ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ડાંગના આહવા તાલુકાના મોટીદબાસ ગામે આ વખતે મતદાન નહિ કરવાનો નિર્ણય કર્યો છે. સમગ્ર ગામ લોકોનુ કહેવુ છે કે જ્યાં સુધી અમારા ગામમાં રોડ અને પુલ નહિ થાય ત્યાં સુધી અમે મતદાન નહિ કરીએ.
આહવાના મોટીદબાસ ગામના લોકો ઘણા સમયથી રોડ અને પુલની માંગ કરી રહ્યા છે. જે પૂરી ન થતા ગામ લોકો મતદાન મથક સુધી ગયા પણ નહિ. તંત્ર દ્વારા સમજાવવાની કોશિશ કરવામાં આવી પરંતુ તેમછતાં લોકો મતદાન આપવા ન ગયા. સમગ્ર ગામે એક થઈને મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો અને ચૂંટણીથી દૂર રહેવાનુ નક્કી કર્યુ.
તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનુ મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનુ મતદાન 5 ડિસેમ્બરે થવાનુ છે. પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. પંચ તરફથી જાહેર કરવામાં આવેલ યાદીમાં રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધવામાં આવ્યા છે. વળી, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.