For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ચૂંટણી : કેજરીવાલની ચલણી નોટ પર ગણેશ-લક્ષ્મીજીની તસવીર મૂકવાની અપીલ અંગે વિવાદ કેમ?

ગુજરાત ચૂંટણી : કેજરીવાલની ચલણી નોટ પર ગણેશ-લક્ષ્મીજીની તસવીર મૂકવાની અપીલ અંગે વિવાદ કેમ?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટ પર ગાંધીજી સાથે ગણેશજી-લક્ષ્મીજીની તસવીર મૂકવાની અપીલ કરી

  • દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટ પર ગાંધીજી સાથે ગણેશજી-લક્ષ્મીજીની તસવીર મૂકવાની અપીલ કરી
  • ટ્વિટર પર આ અપીલ અંગેનો વીડિયો સામે આવતાં ભાજપ-કૉંગ્રેસે શાબ્દિક પ્રહાર કર્યા
  • કેજરીવાલની માગણીને ગુજરાતની ચૂંટણીને ધ્યાને લઈને 'હિંદુવિરોધી છબિ' દૂર કરવાના પ્રયાસ ગણાવાઈ રહી છે
  • આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલની માગણીને વાજબી ગણાવી રહ્યા છે

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણી નોટ પર ગાંધીજીની સાથે ભગવાન ગણેશ અને લક્ષ્મીજીની તસવીરો મૂકવાની અપીલ કરી છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના વીડિયો સાથેના આમ આદમી પાર્ટીના ટ્વીટમાં લખાયું છે કે, "કેન્દ્ર સરકારને એક અપીલ છે, ગાંધીજી સાથે ચલણી નોટ પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોય, દેશની કથળતી જતી અર્થવ્યવસ્થાને આશીર્વાદ મળશે, ઘણાં પગલાં લેવાં જોઈએ, જેમાંથી એક આ પણ છે."

https://twitter.com/AamAadmiParty/status/1585149289407205376

આમ આદમી પાર્ટીએ તેમના ટ્વિટર હૅન્ડલ પર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની અપીલનો વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયો જાહેર કરાતાં જ ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થઈ ગયો હતો અને તેના પર ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી હતી.

સોશિયલ મીડિયા પર અને રાજકીય પ્રવાહોમાં અરવિંદ કેજરીવાલની આ અપીલને ક્યાંક 'આવકાર્ય' તો ક્યાંક 'હિંદુવિરોધી તરીકેની છબિ બદલાવાના પ્રયાસ' તરીકે જોવામાં આવી રહી છે.

અહીં નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલે ચલણી નોટ બદલવાની વાત નથી કરી.

તેમણે કહ્યું કે જે ચલણી નોટ છપાઈ રહી છે તેમાં આ બદલાવ કરી શકાય છે, જેથી ધીરે ધીરે આ પ્રકારની ચલણી નોટ ચલણમાં આવી જાય.

કેજરીવાલે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, "આપણી અર્થવ્યવસ્થા નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. આપણે જોઈએ છીએ કે ડૉલરના મુકાબલે રૂપિયો કમજોર પડી રહ્યો છે. તેનો માર સામાન્ય માણસ પર પડે છે. તેમાં સુધાર લાવવા મારી કેન્દ્ર સરકારને અપીલ છે."

"ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે. ત્યાં બે ટકા હિંદુઓની વસતિ છે છતાં ત્યાં કરન્સી નોટ પર ગણેશની તસવીર છે."

સ્વામિનારાયણ મંદિરે અરવિંદ કેજરીવાલ

નોંધનીય છે કે ગુજરાતની ચૂંટણી આડે હવે અમુક દિવસ બાકી રહ્યા છે.

તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલને 'હિંદુવિરોધી અને મુસ્લિમોના સમર્થક' તરીકે રજૂ કરવા માટે ગુજરાતમાં ઠેર ઠેર પોસ્ટરો લગાવાયાં હતાં. જેના જવાબમાં તેમણે પોતે 'કટ્ટર હિંદુ' હોવાની વાત કરી હતી.

એ પહેલાં દિલ્હીમાં કેજરીવાલ સરકારના તત્કાલીન મંત્રી રાજેન્દ્ર પાલે બૌદ્ધ ધર્મ અંગીકાર કરનાર લોકો સાથે લીધેલા હિંદુ દેવી દેવતાઓને નહીં પૂજવાના શપથ મામલે મોટો વિવાદ થયો હતો.

જે બાદ અરવિંદ કેજરીવાલને હિંદુવિરોધી દર્શાવવાનો પ્રયાસ કરતાં પોસ્ટર પણ ગુજરાતનાં વિવિધ શહેરોમાં જોવા મળ્યાં હતાં.

વિવાદ બાદ રાજેન્દ્ર પાલે મંત્રીપદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કેજરીવાલે પોતે 'કટ્ટર હનુમાનભક્ત' હોવાની વાત કરી હતી.

છતાં તેમના રોડ શો દરમિયાન તેમની સામે કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.

કેજરીવાલે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન તેમને મુસ્લિમ દર્શાવતાં પોસ્ટરો મુકાયાંની વાત અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, "હું જન્માષ્ટમીએ જન્મ્યો છું અને કંસની ઓલાદોના સંહાર માટે મારો જન્મ થયો છે."

હવે ફરી વખત હિંદુ દેવી-દેવતાની તસવીરો ચલણી નોટ પર મૂકવાની અપીલના કારણે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણની ધ્યાને રાખીને આવાં નિવેદનો કરી રહ્યા હોવાના આરોપ મુકાઈ રહ્યા છે.

જ્યારે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ દ્વારા કેન્દ્ર સરકાર પાસેથી તેમની આ માગણીને 'ભારતના નાગરિકોને ગર્વ થાય તેવી માગણી' ગણાવાઈ રહી છે.


સોશિયલ મીડિયા પર રાજકીય પક્ષોની પ્રતિક્રિયા

કેજરીવાલે ગુજરાત ચૂંટણીને ધ્યાને રાખીને આવું નિવેદન આપ્યું હોવાના કારણે સોશિયલ મીડિયા અને રાજકીય પક્ષો દ્વારા વ્યાપક ટીકા

કેજરીવાલની પ્રેસ કૉન્ફરન્સ બાદ ગુજરાતમાં આપના નેતા ઈસુદાન ગઢવીએ પણ ટ્વીટ કરીને કહ્યું કે અરવિંદ કેજરીવાલ જી એ આજે ભારતના દરેક નાગરિકને ગર્વ થાય એવી માંગણી કેન્દ્ર સરકાર પાસે કરી છે.

https://twitter.com/isudan_gadhvi/status/1585151401130627073

તો બીજી તરફ ભાજપ તરફથી આ પગલાને પોતાની 'ઔરંગઝેબ' અને 'હિંદુવિરોધી છબિ' સુધારવાનો પ્રયાસ ગણાવાઈ રહ્યો છે.

દિલ્હી ભાજપના નેતા પ્રવક્તા તેજિન્દરપાલસિંહ બગ્ગાએ આ માગણીને લઈને પ્રતિક્રિયા આપતું ટ્વીટ કર્યું છે.

તેમણે લખ્યું છે કે, "કેજરીવાલ ફટાકડા ફોડવા બદલ હિંદુ છોકરાઓને જેલ મોકલવાના પ્રયત્નો કરતા હતા, તેને હિંદુઓએ જોરદાર જવાબ આપ્યો તેથી તેઓ તેમની ઔરંગઝેબની ઇમેજને તોડવા માટે હિંદુ હોવાનો ડોળ કરી રહ્યા છે."

https://twitter.com/TajinderBagga/status/1585148867066355712

ટ્વિટર પર અખિલેશ શર્મા નામના એક પત્રકારે કેજરીવાલની આ અપીલને ગુજરાતની ચૂંટણીટાણે આપ તરફથી મિશ્ર સંદેશ ગણાવ્યો.

અખિલેશ શર્માએ ટ્વીટ કરતાં લખ્યું કે, "પહેલાં આપ મંત્રી દ્વારા હિંદુ-દેવીદેવતાઓની પૂજા ન કરવાની વાત કરાઈ હતી. તે બાદ સાર્વજનિક શપથ પછી દીવાળીમાં ફટાકડા ફોડવા પર આપના એક મંત્રી દ્વારા છ મહિનાની જેલની ધમકી અપાઈ અને હવે ચલણી નોટ પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર છાપવાની માગ. ગુજરાતની ચૂંટણીમાં જનતાને આમ આદમી પાર્ટી તરફથી એક મિશ્રિત સંદેશ."

https://twitter.com/akhileshsharma1/status/1585153797143539712

ભાજપના સાંસદ મનોજ તિવારીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

મનોજ તિવારીએ સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું છે કે, "કેજરીવાલની માગ પૂરી થશે પણ સવાલ એ છે કે તેમના વિચારમાં અંતર છે, તેથી જનતા તેમના પર કેવી રીતે વિશ્વાસ કરે. આવી વાત કરતા પહેલાં કેજરીવાલે પહેલાં જ્યાં તેમને જનતાએ જવાબદારી સોંપી છે તે દિલ્હી અને પંજાબમાં તેમનાં વચનો પૂરાં કરવાં જોઈએ."


કેજરીવાલ પર પ્રહાર

કેજરીવાલની અપીલને ભાજપે ગણાવી હિંદુવિરોધી છબિ બદલવાનો પ્રયાસ

કેજરીવાલની અપીલ બાદ ભાજપના નેતાઓ તેમની ટીકા માટે એકાએક સક્રિય થઈ ગયા હતા. ભાજપના નેતા અમિત માલવિયે આ અંગે પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કર્યું હતું, તેમણે ભાજપને હિંદુઓના વિરોધી ગણાવતાં લખ્યું હતું કે, "કેજરીવાલે હાલમાં દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધનો ફતવો જારી કર્યો હતો. તેઓ હિંદુવિરોધી છે. તેમનાં વચનો હંમેશાં તેમની નિષ્ફળતા છુપાવવા માટેનાં હથિયાર હોય છે."

https://twitter.com/amitmalviya/status/1585159721438556167

એક તરફ અરવિંદ કેજરીવાલ પર રાજકીય પક્ષોના શાબ્દિક પ્રહાર ચાલુ હતા તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના અન્ય મોટા નેતાઓ તેમની માગણીને વાજબી ગણાવી અને તેમના સમર્થનમાં ટ્વીટ કરતાં જોવા મળ્યા હતા.

દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ કેજરીવાલની અપીલને ટેકો આપતાં ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું, "મા લક્ષ્મી અને ભગવાન ગણેશ સંપન્નતા અને સમૃદ્ધિનાં પ્રતીક છે. તેમના આશીર્વાદથી દેશ સમૃદ્ધ થઈ આગળ વધશે અને નંબર એક બનશે. ભારતની કરન્સી પર મહાત્મા ગાંધીની સાથે મા લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીર લગાવવી દેશ માટે મંગલમય સાબિત થશે."

https://twitter.com/msisodia/status/1585161029985906688

તો ગુજરાતમાં આપ નેતા મનોજ સોરઠિયાએ ટ્વીટ કરતાં લખ્યું કે, "આ માસ્ટર સ્ટ્રોક છે. મોદી પોતાનો ફોટો નાખે તે પહેલાં આ માગ તેમના ઇરાદા પર પાણી ફેરવશે."

https://twitter.com/manoj_sorathiya/status/1585151133957640193

રાહુલ તાહિલિયાની નામના એક યુઝરે ટ્વિટર પર કેજરીવાલની આ અપીલ સંદર્ભે ટ્વીટ કરતાં લખ્યું કે, "હવે તેઓ ન વિરોધ કરી શકે છે ન માગ સ્વીકારી શકે છે. આને કહેવાય ચેક મેટ."

https://twitter.com/Rahultahiliani9/status/1585152683799121920

વિજય પટેલ નામની વ્યક્તિએ ટ્વીટ કરતાં કહ્યું કે, "તેઓ ગુજરાત આવ્યા હતા મફતનાં વચનો આપવા પણ હવે તેમને હિંદુ બનવું પડી રહ્યું છે. આ ગુજરાત અને તેના લોકોનો પાવર છે. તે હજુ માને છે કે આવા જૂઠા કાર્ડને કારણે લોકો તેમની જાળમાં ફસાઈ જશે."

https://twitter.com/vijaygajera/status/1585152976456294402


"આપ ભાજપ-આરએસએસની બી ટીમ"

આ સિવાય કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું કે, "આપ ભાજપ અને આરએસએસની બી ટીમ છે. તેની કોઈ સ્પષ્ટ વિચારધારા નથી. આ તેની મતોની રાજનીતિ છે. તે જો પાકિસ્તાન જાય તો ત્યાં પણ કહી દે કે તેઓ પાકિસ્તાની છે તેથી તેમને વોટ કરો."

https://twitter.com/ANI/status/1585164135276638208

કેજરીવાલની અપીલ અને વિવાદ બાદ ભાજપના નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે, "આ લોકો તસવીર હઠાવનારા લોકો છે. ગાંધીના નામે શપથ લે છે અને તેમની જ તસવીરો હઠાવી દે છે."


તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

Facebook પર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Instagram પર બીબીસી ગુજરાતીને અહીં ફૉલો કરો.

YouTube પર બીબીસી ગુજરાતીના વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Twitter પર બીબીસી ગુજરાતીની ફૉલો કરવા અહીં ક્લિક કરો.

English summary
Gujarat Election: Why the controversy over Kejriwal's appeal to put Ganesh-Lakshmiji's picture on currency notes?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X