
ઓળખપત્રની ઝેરોક્ષ કે ડિજિટલ કૉપી માન્ય નથી, જાણો અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારીએ શું કહ્યુ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનુ મતદાન આજે થવા જઈ રહ્યુ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 વિધાનસભા બેઠકો માટે બીજા અને અંતિમ તબક્કામાં મતદાન થશે. બીજા તબક્કામાં, 61 પક્ષોના 833 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો નિર્ણય 2.51 કરોડથી વધુ મતદારો કરશે. ત્યારે અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. ધવલ પટેલે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધીને જણાવ્યુ હતુ કે, 'અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારો 5 ડિસેમ્બર, 2022ના રોજ સવારે 8.00થી સાંજે 5.00 વાગ્યા દરમિયાન અચૂક મતદાન કરીને દેશની મજબૂત લોકશાહીમાં સહયોગ કરે.'
ડૉ. ધવલ પટેલે વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, 'અમદાવાદ જિલ્લાના કુલ 21 મતવિભાગોમાં 31,23,306 પુરુષ મતદારો, 28,82,224 મહિલા, 209 અન્ય જાતિના મળીને કુલ 60,04,737 મતદારો છે. શાંતિપૂર્ણ મતદાનની વ્યવસ્થા માટે 23,785થી વધુ ચૂંટણીકર્મી કાર્યરત છે અને મતદાની પૂર્વસંધ્યાએ પોતાના મતદાન મથકે પહોંચી ચૂક્યા છે.' ડૉ. ધવલ પટેલે ઓળખત્ર સંબંધી માહિતી આપતા જણાવ્યુ કે, '60,04,739માંથી 58,80,315 મતદાર માહિતી સ્લિપનુ વિતરણ થઈ ચૂક્યુ છે. આમ 97.9 ટકા મતદાર કાપલીનુ સફળતાપૂર્વક વિતરણ કાર્ય સંપન્ન કરવામાં આવ્યુ છે. જો કે, મતદાર માહિતી કાપલી ઓળખના પુરાવા તરીકે સ્વીકાર્ય નથી. દરેક મતદારે મતદાર કાર્ય(વોટર આઈડી) કે ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 ઓળખપત્રોમાંથી કોઈ એક સાથે રાખવુ અનિવાર્ય છે. ઓળખપત્રની ઝેરોક્ષ કે ડિજિટલ કૉપી સ્વીકાર્ય ગણાશે નહિ. મતદાન મથક પર મોબાઈલ પ્રતિબંધિત હોવાથી ડિજિટલ ઓળખપત્રો દર્શાવી શકાશે નહિ. દરેક મતદારે માન્ય ઓળખપત્ર સાથે રાખવુ જરુરી રહેશે.'
ચૂંટણી અધિકારી ડૉ. ધવલ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, 'જિલ્લામાં કુલ 5599 અને 11 પૂરક મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જિલ્લાના 21 મતવિભાગોમાં દરેકમાં એક-એક મોડલ મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથક અને ઈકો-ફ્રેન્ડલી મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. મહિલા મતદાતાઓને પ્રોત્સાહન માટે કુલ 147 સખી મતદાન મથકો ઉભા કરાયા છે. મતદાન પ્રક્રિયાની દેખરેખ માટે દરેક મતવિભાગમાં 20 એમ કુલ 420 માઈક્રો ઓબ્ઝર્વર નિયુક્ત કરવામાં આવ્યા છે. 2827 મતદાન મથકોનુ વેબકાસ્ટીંગ કરવાની વ્યવસ્થા પણ ઉભી કરાઈ છે. આદર્શ આચારસંહિતાનુ ચુસ્તપણે પાલન થઈ રહ્યુ છે.'
તેમણે વધુમાં જણાવ્યુ કે આચારસંહિતાના અમલના ભાગરુપે ફરિયાદ મળતા જાહેર મિલકતો પરથી 62,098 તથા ખાનગી મિલકતો પરથી 3739 પ્રચાર સામગ્રી હટાવી લેવામાં આવી છે. સી-વિજિલ પર 1138 ફરિયાદો મળી. જેમાંતી 1050નો ઉકેલ લાવવામાં આવ્યો છે. ટોલ ફ્રી નંબરથી મળેી 1582માંથી 1515 ફરિયાદોનો ઉકેલ લવાયો. અમદાવાદમાં મતગણતરી માટે એલડી એન્જિનિયરીંગ, ગવર્મેન્ટ પોલિટેકનિક અને ગુજરાત કોલેજ ખાતે ત્રણ કેન્દ્રો ઉભા કરાયા છે.