"હાર્દિકના સીડી કાંડ મુદ્દે BJP પર થયેલ આરોપ પાયાવિહોણા"

Written By:
Subscribe to Oneindia News

ગુરૂવારે પાસ દ્વારા હાર્દિક પટેલના સીડી કાંડ મામલે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં પાસ કન્વીનર દિનેશ બાંભણિયા કહ્યું હતું કે, હાર્દિકની બનાવટી સીડી બનાવવામાં આવી છે અને ભાજપના ઇશારે વાયરલ કરવામાં આવી છે. તેમણે આનો સીધો આરોપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પર મુક્યો હતો. ત્યાર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું. તેમણે ભાજપ પર મુકવામાં આવેલ આરોપો નકારતા હાર્દિક પટેલ અને પાસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, 'છેલ્લા 4 દિવસથી રાજ્યના જાહેર જનજીવનમાં ખળભળાટ જોવા મળ્યો છે. જે નેતાની અશ્લીલ સીડી બહાર આવી છે, તેમાંના કેટલાક દ્રશ્યો ટીવી પર બતાવી શકાય એવા પણ નથી. આ ઘટનાથી લાજવાના બદલે, જો ઘટના ખોટી હોય તો પોતાનો બચાવ કરવાના બદલે ભાજપ પર આરોપ કરી રહ્યાં છે.'

nitin patel

'કોંગ્રેસ દ્વારા બચાવનો પ્રયાસ શરમજનક'

તેમણે આગળ કહ્યું કે, 'કોંગ્રેસ દ્વારા પણ તેમને બચાવવાના પ્રયાસો થઇ રહ્યાં છે અને તેની પાછળ માત્ર અને માત્ર રાજકીય લાભ લેવાનો હેતુ છે.' તેમણે નામ લીધા વિના જીજ્ઞેશ મેવાણી પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, 'તેમણે પણ હાર્દિકને બચાવવા માટે જે નિવેદન આપ્યું એ શરમજનક છે. આટલી શરમજનક ઘટના પ્રત્યે તેમનું હળવું વલણ ઘણું બધું કહી જાય છે. મૃતઃપ્રાય કોંગ્રેસનો તો હવે આ 3-4 લોકો સિવાય કોઇનો આરો નથી. કોંગ્રેસના એક નેતાએ સરદાર સાથે જોડીને આ સમગ્ર ઘટનાને ઢાંકવાનો પ્રયત્ન કર્યો એ એથી પણ વધુ શરમજનક છે. તેમના આવા નિવેદન છતાં કોંગ્રેસ તરફથી તે નેતાને માફી માંગવા માટે કહેવામાં આવ્યું નથી કે તે નેતાએ પણ અફસોસ વ્યક્ત કર્યો નથી.'

પાસ પર કાયદાકીય કાર્યવાહી

'રાજ્ય તથા પાટીદાર સમાજ માટે ખૂબ દુઃખદ એવી આ ઘટના બની, પરંતુ એ માટે આજે પાસ દ્વારા પત્રકાર પરિષદ કરી ભાજપ પર, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી પર ખોટા આરોપો કરવામાં આવ્યા, આથી હવે અમારે બોલવાની જરૂર પડી છે. તેમણે જાહેરમાં આરોપો કર્યા છે, એ અંગે અમે પણ કાયદાકીય કાર્યવાહી કરવાનો વિચાર કરી રહ્યાં છે.' હાર્દિક પટેલ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, 'જ્યારે પહેલી સીડી બહાર આવી, એ પછી તેમણે આ ઘટના ખોટી હોય તો સામે પોતાનો બચાવ કરવાની જગ્યાએ હું યુવાન છું, મરદ છું જેવી અશોભનીય પ્રતિક્રિયા આપી હતી. એ સૌએ જોયું હતુું. એના બીજા દિવસે વધુ ખરાબ સીડી બહાર આવી ત્યારે પણ બચાવ ન કર્યો. નિર્દોષ હોય તો પોતાનો બચાવ કરવાનો સૌને અધિકાર છે. પરંતુ તેમણે એવું ન કર્યું. તેઓ સરદાર પટેલ, ભગતસિંહ, મહિલા સુરક્ષા, દેશની સંસ્કૃતિ અંગે વાતો કરે છે અને બીજી તરફ આવા કૃત્યો કરે છે અને હકીકત બહાર આવતા આરોપ ભાજપ પર મુકે છે.'

પાસના આરોપો પાયાવિહિન

'એક તરફ તો તેઓ કહે છે કે, સીડી બનાવટી છે, ભારતની બહાર તૈયાર કરવામાં આવી છે. બીજી તરફ ભાજપ પર આક્ષેપ કરતાં કહે છે કે, ભાજપ તરફથી જ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા અને અન્ય ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. જો આ આખી ઘટના ખોટી હોય તો તો સીસીટીવી કેમેરા લગાવવાની વાત જ ક્યાંથી આવી? પહેલા તેઓ પોતાનું મન સ્પષ્ટ કરે અને આમ કોંગ્રેસની સ્ક્રિપ્ટ વાંચતા હોય એમ ભાજપ પર આરોપો લગાવવાનું બંધ કરે. પાસના આ તમામ આરોપો પાયાવિહિન છે.'

'કોંગ્રેસ દ્વારા આપવામાં આવતા નાણાંની વહેંચણીમાં ભૂલ'

તેમણે આગળ કહ્યું કે, 'પાસ સંસ્થા દ્વારા જાતે જ બે નામો આપવામાં આવ્યા છે. મારી જાણકારી અનુસાર, વધુ શક્યતા તો એવી છે કે, કોંગ્રેસ દ્વારા આ આંદોલન માટે પાસને જે નાણાંકીય મદદ પૂરી પાડવામાં આવે છે, તેની વહેંચણીમાંથી વિવાદ ઊભો થતાં, તેમના જ કોઇ જાણીતા કે મિત્રએ આ અપકૃત્ય રેકોર્ડ કરી બહાર પાડ્યું છે. આ બધા સાથે ભારતીય જનતા પાર્ટીને કોઇ લેવા-દેવા નથી. કોંગ્રેસનું નેતૃત્વ જ ભ્રષ્ટાચારી છે. પાટીદાર સમાજ સમજુ છે, ગુજરાતની પ્રજા સમજુ છે અને બધું જુએ છે.'

'કાયદાકીય કાર્યવાહી કરવી જોઇતી હતી'

'રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર જ્યારે આરોપ લાગ્યો કે તેમણે અને તેમના પુત્રએ તરત અદાલતમાં જે-તે સંસ્થા પર બદનક્ષીનો દાવો કર્યો હતો. એ જ રીતે જો આ લોકો સાચા હોય તો કાયદાકીય કાર્યવાહી કરે. તેમણે મીડિયામાં કહ્યું કે, તેમની પાસે સાબિતી છે, પુરાવા છે તો તેનો કાયદાકીય ઉપયોગ કરે. મીડિયામાં બોલવાથી કંઇ નથી થતું. તેમને મીડિયામાં બોલવાનો, પુરાવા આપવાનો પુરો હક છે, પરંતુ કાયદાકીય રક્ષણ માટે એ પુરાવાનો ઉપયોગ પણ કરવો પડે.' આ સાથે જ તેમણે કોંગ્રેસ નેતા અશોક ગેહલોત પર પણ પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે, 'તેઓ સૌપ્રથમ તો નર્મદા યોજનાના વિરોધ માટે ગુજરાતની જનતાની માફી માંગે.'

English summary
Gujarat Elections 2017: After PAAS's press conference Deputy CM Nitin Patel addresses Press Conference.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.