ખેડૂતો વરસાદી આફત માટે તૈયાર રહે, અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતના ખેડૂતો માટે ટેન્શન વધારનારા સમાચાર છે. આગાહી અનુસાર, બે-બે કુદરતી આફતો નજીક આવી રહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ભયાવહ આગાહી કરવામાં આવી છે, જે રાજ્યના ખેડૂતો માટે ફરી એક ચિંતાનો વિષય બની છે.
હાલ ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે, વહેલી સવારે અને રાત્રે ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે ગુજરાતનું વાતાવરણ આગામી સાત દિવસ શુષ્ક રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

જો કે, અંબાલાલ પટેલના મતે આગામી દિવસોમાં ગુજરાતમાં માવઠું થવાની સંભાવના છે. દિવાળી દરમિયાન થયેલા માવઠાથી ખેડૂતોના મગફળી અને ડાંગર જેવા પાકોને મોટું નુકસાન થયું હતું. હવે ફરીથી અંબાલાલ પટેલની આગાહી ખેડૂતોને તેમના પાક બચાવવા માટે સજ્જ થવાની ફરજ પાડી રહી છે.
તેમણે જણાવ્યું કે 26 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાઈ શકે છે. આ વાવાઝોડાની અસર ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે, જેના પરિણામે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. આ ઉપરાંત 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં હવાનું ઓછું દબાણ ધરાવતી નબળી સિસ્ટમ ઉદ્ભવવાની સંભાવના છે, જે હવાના પ્રવાહમાં નાના-મોટા ફેરફારો લાવશે.
હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને કારણે સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થાય છે, જ્યારે બપોરે ગરમી વર્તાય છે. છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત સમગ્ર ગુજરાતનું હવામાન શુષ્ક રહ્યું હતું.
હવામાન વિભાગે આગામી સાત દિવસ પણ હવામાન શુષ્ક રહેવાની આગાહી કરી છે, અને આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ક્યાંય પણ ભારે કે સામાન્ય વરસાદની શક્યતા નથી. ઉપરાંત, લઘુત્તમ કે મહત્તમ તાપમાનમાં પણ કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, વાવાઝોડા બાદ 2 ડિસેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં લૉ પ્રેશર સર્જાશે. 6 ડિસેમ્બરથી વાતાવરણમાં પલટો આવશે, અને 15-16 ડિસેમ્બર આસપાસ માવઠાની અસર દેખાશે. રાજ્યના જુદા જુદા ભાગોમાં 18 ડિસેમ્બરે ભારે માવઠું થવાની શક્યતા છે. ખેડૂતો હજુ એક માવઠાના મારથી બેઠા નથી થયા ત્યાં ફરી બે-બે માવઠાની આફત આવી રહી છે. પહેલા નવેમ્બરના અંતમાં ચક્રવાત વરસાદ લાવશે અને પછી ડિસેમ્બરના મધ્યમાં માવઠું થશે.
જો અંબાલાલ પટેલની આ આગાહી સાચી ઠરે તો ખેડૂતોના જીરું, વરિયાળી, ઇસબગુલ, પપૈયા, નાળિયેરી જેવા પાકો તેમજ ટામેટાં, રીંગણ, મરચાં જેવા શાકભાજીને પણ મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતોને આ કુદરતી આફત સામે લડવા માટે ફરીથી તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે કાળઝાળ ઠંડીની સાથે ભયંકર વાવાઝોડું પણ આવી રહ્યું છે, જેની ગતિ 100 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
તેમની આગાહી મુજબ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધશે અને તાપમાનનો પારો 13-14 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડીના આ ચમકારા બાદ વાવાઝોડાનું સંકટ આવશે. 20 નવેમ્બરની આસપાસ બંગાળના ઉપસાગરમાં સુપર સાયક્લોન બની શકે છે, જે ભીષણ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે.
નવેમ્બરના અંતમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને માવઠું પણ થશે. અંબાલાલ પટેલે માત્ર ચક્રવાત જ નહીં, પરંતુ આ ચક્રવાત બાદ માવઠાની પણ આગાહી કરી છે. આનો અર્થ એ છે કે ખેડૂતોને પહેલા ભીષણ ચક્રવાત અને પછી માવઠાનો માર સહન કરવો પડશે.












Click it and Unblock the Notifications
