ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?
ગુજરાતના મુખ્ય શહેરોમાં ઈંધણની અછતને લઈને ભારે અફવાઓ ફેલાઈ રહી છે. અનેક પેટ્રોલ પંપો પર નો સ્ટોકના બોર્ડ વાગતા વાહનચાલકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
અત્યારે ઘણા પંપો પર માત્ર પ્રીમિયમ પેટ્રોલ જ ઉપલબ્ધ હોવાથી સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. અમદાવાદ જેવા શહેરોમાં પંપો પર વાહનોની અડધા કિલોમીટર લાંબી કતારો જોવા મળી રહી છે.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈંધણના ભાવ વધવાની આશંકા સેવાઈ રહી છે. આ ડરના કારણે લોકો જરૂરિયાત કરતા વધુ પેટ્રોલ ભરાવીને સ્ટોક કરી રહ્યા છે.
પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, લોકો પેનિકમાં આવીને વાહનોની ટાંકી ફૂલ કરાવી રહ્યા છે. આ અચાનક વધેલા ઘસારાને કારણે ચાલુ પંપો પર ઈંધણનો જથ્થો ઝડપથી ખૂટી રહ્યો છે.
રાજ્યમાં સર્જાયેલી આ સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
સોશિયલ મીડિયા પર વહેતી થયેલી અછતની વાતો માત્ર અફવા હોવાનું સરકારે જણાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે દર બે દિવસે ઈંધણના સપ્લાયની સમીક્ષા કરી રહ્યા છે.
હર્ષ સંઘવીએ જનતાને અપીલ કરી છે કે ખોટી માહિતી પર વિશ્વાસ ન કરવો. રાજ્ય સરકાર તમામ પેટ્રોલ પંપો પર નિયમિત સપ્લાય જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.
સરકારે ખાતરી આપી છે કે ઈંધણ પુરવઠામાં કોઈ ટેકનિકલ સમસ્યા નથી. નાગરિકોએ સંગ્રહખોરી છોડીને સામાન્ય રીતે જ ઈંધણ પુરાવવું જોઈએ જેથી વ્યવસ્થા જળવાઈ રહે.
વહીવટી તંત્ર હાલમાં પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. અફવા ફેલાવનારા તત્વો સામે કડક પગલાં લેવાની પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
