કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો
ગુજરાત સરકાર હવે કચ્છના બન્ની વિસ્તારને ચિત્તાઓના નવા નિવાસસ્થાન તરીકે તૈયાર કરી રહી છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્રોજેક્ટ માટે વિધાનસભામાં મહત્ત્વની જાહેરાત કરી છે.
બન્નીના ઘાસિયા મેદાનોમાં ઇકોસિસ્ટમ વિકસાવવા માટે સરકારે 14.70 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કર્યો છે. આ પગલાથી આગામી સમયમાં ગુજરાતમાં ચિત્તાઓનું પુનઃસ્થાપન થવાની શક્યતાઓ વધી ગઈ છે.

ભારતમાં ચિત્તા સંરક્ષણ પ્રોજેક્ટ હેઠળ આ અગાઉ મધ્યપ્રદેશના કુનોમાં સફળતાપૂર્વક કામગીરી કરવામાં આવી હતી. હવે ગુજરાતમાં પણ ચિત્તાઓ માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરવા માટેનું પ્રારંભિક કાર્ય પૂર્ણ થયું છે.
વન વિભાગની અંદાજપત્રની ચર્ચામાં મંત્રીએ રાજ્યના એશિયાટિક સિંહોની સંખ્યા અંગે પણ વિગતો આપી હતી. વર્ષ 2025ની સિંહ ગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની વસ્તીમાં 32% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
તાજેતરના આંકડાઓ અનુસાર રાજ્યમાં સિંહોની કુલ સંખ્યા હવે વધીને 891 પર પહોંચી ગઈ છે. આ વસ્તીમાં 196 નર, 330 માદા, 140 સબ-એડલ્ટ અને 225 સિંહબાળનો સમાવેશ થાય છે.
સિંહોના અકુદરતી મૃત્યુ રોકવા માટે સરકાર દ્વારા અનેક સુરક્ષાત્મક અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. વન્યજીવોના સંરક્ષણ માટે ટેકનોલોજી અને વિશેષ ટ્રેકર્સની મદદ પણ લેવામાં આવી રહી છે.
વાઘ સંરક્ષણ બાબતે મંત્રીએ જણાવ્યું કે ડાંગના પૂર્ણા અભયારણ્યમાં લાંબા સમય બાદ વાઘના સંકેતો મળ્યા છે. ફેબ્રુઆરી 2025માં પિપરગોટા ખાતે વાઘની હાજરી હોવાનું વન વિભાગના ધ્યાને આવ્યું છે.
ડાંગમાં વન્યજીવો માટે શિકારનો પુરતો આધાર રહે તે હેતુથી ખાસ પ્રજનન કેન્દ્રો કાર્યરત કરાયા છે. આ માટે ઉઢલમૌડા કેન્દ્રમાં પ્રાયોગિક ધોરણે 17 જેટલા સાંબર હરણ લાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
