વસ્તી ગણતરી 2025 માટે ગુજરાત સરકારે વેબસાઈટ લોંચ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી વસ્તીગણતરી ગુજરાત વેબસાઇટ લોન્ચ કરી છે. આ પહેલ ડિજિટલ સેન્સસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેનો પાયલોટ પ્રોજેક્ટ સુરત, દાહોદ અને મોરબી જિલ્લાઓમાં શરૂ થયો છે.
ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવના વસ્તીગણતરી નિયામક દ્વારા તૈયાર કરાયેલી આ વેબસાઇટ આધુનિક સુવિધાઓ, સરળ નેવિગેશન મેનૂ અને બહુભાષી કાર્યક્ષમતા સાથે વપરાશકર્તાઓને અનુકૂળ અનુભવ પૂરો પાડે છે.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ દ્વારા સંતુલિત વિકાસની જે કલ્પના કરી છે તે જન ગણના સે જન કલ્યાણના સૂત્ર સાથે સુસંગત છે. તેમણે ઉમેર્યું કે, આ નવી વેબસાઈટના લોકાર્પણથી આ દ્રષ્ટિને વધુ બળ મળશે.
આગામી વસ્તીગણતરી 2027 પ્રથમ વખત સંપૂર્ણપણે ડિજિટલ મોડમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા હાથ ધરવામાં આવશે, જેની મુખ્યમંત્રીએ પ્રશંસા કરી. તેમણે નોંધ્યું કે, નાગરિકો માટે વેબ પોર્ટલ દ્વારા તેમની માહિતી સુરક્ષિત રીતે સબમિટ કરવા માટે સ્વ-ગણતરી સુવિધા પણ રજૂ કરાઈ રહી છે. આ સુવિધાનું પ્રારંભિક પરીક્ષણ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ પસંદગીના જિલ્લાઓમાં થશે.
રાજ્યના વસ્તીગણતરી નિયામક સુજલ માયાત્રાએ નવી વેબસાઇટ: https://gujarat.census.gov.in/ વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે, 2027ની વસ્તીગણતરી માટે રિહર્સલ થઈ ચૂક્યા છે અને વિવિધ મોબાઇલ એપ્લિકેશન્સનું પરીક્ષણ પણ કરાયું છે.
વસ્તીગણતરી 2027ના પ્રી-ટેસ્ટ તબક્કા માટે સુરત મહાનગરપાલિકા હેઠળના 133 બ્લોક, દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકાના 26 ગામોના 70 બ્લોક અને મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના 25 ગામોના 60 બ્લોક પસંદ કરાયા છે. વસ્તીગણતરી નિયામકે જણાવ્યું કે, આ પસંદગીના વિસ્તારોમાં 10 થી 30 નવેમ્બર દરમિયાન પ્રારંભિક કામગીરી હાથ ધરાશે.












Click it and Unblock the Notifications
