ગુજરાત : માંગરોળ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પાર્ટીઓમાં કવાયત શરૂ
માંગરોળ, 22 જુલાઇ : જૂનાગઢ મહાનગર પાલિકાની રવિવારે યોજાયેલી ચૂંટણી બાદ હવે રાજકીય પક્ષો ગીર સોમનાથ જિલ્લાની ખાલી પડેલી વિધાનસભા બેઠક માંગરોળની પેટા ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે.
આ મતવિસ્તારમાં બેઠક પોતાના ખાતામાં કરવા માટે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ મતવિસ્તારમાં કામે લાગી ગયા છે. વર્તમાનમાં આ બેઠક ભાજપ પાસે છે. આથી ભાજપે પોતાની આ બેઠક જાળવી રાખવા માટે સક્ષમ ઉમેદવારની પસંદગીની કવાયત આદરી છે. જ્યારે કોંગ્રેસના સ્થાનિક ટિકીટવાંચ્છુઓએ ટિકીટ મેળવવા પોતાની રાજકીય વગનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. આ માટે તેઓ દિલ્હીની અવારનવાર મુલાકાત લઇ રહ્યા છે.

નોંધનીય છે કે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ નારાણભાઇ ચુડાસમા જૂનાગઢ બેઠક પરથી સંસદમાં ચૂંટાતા માંગરોળની બેઠક પરથી રાજીનામુ આપ્યું હતું. આ કારણે બેઠક ખાલી પડી હતી.
આ બેઠક સામાન્ય રીતે કોંગ્રેસની પંરપરાગત બેઠક ગણાતી હતી. પરંતુ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના શાસનકાળામાં આ બેઠક ભાજપે આંચકી લીધી હતી. કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠકની પેટાચૂંટણી હવે ચાર મહિનાની અંદર યોજાવાની હોવાથી ભાજપે પ્રદેશ સ્તરેથી જ તૈયારીઓ આદરી છે.
પેટા ચૂંટણીમાં બેછક પોતાના નામે અંકે કરવા માટે ભાજપના સ્થાનિક કાર્યકર્તાઓ અત્યારથી કામે લાગી ગયા છે. બીજી બાજુ કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો પણ આ બેઠક ભાજપના હાથમાંથી પરત મેળવવા માટે મેદાનમાં ઉતર્યા છે. આ માટે તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો સંપર્ક શરૂ કરી દીધો છે.












Click it and Unblock the Notifications
