ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી
ગુજરાતમાં હાલ ઇંધણની ભારે અછત હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના કારણે રાજ્યના મુખ્ય શહેરોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. સરકારે જનતાને શાંતિ જાળવવા અને ગભરાટમાં આવી ખરીદી ન કરવા વારંવાર વિનંતી કરી છે, છતાં પણ લોકોમાં ભયનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે.
અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં સતત બીજા દિવસે પણ ઇંધણ લેવા માટે વાહનચાલકોની લાંબી લાઈનો અને અફરાતફરીની સ્થિતિ સર્જાઈ હતી.

રાજકોટના રૈયા રોડ અને અમદાવાદના એસજી હાઈવે જેવા વિસ્તારોમાં અનેક પેટ્રોલ પંપો પર મોડી રાત સુધી લોકોની ભીડ ઉમટી પડી હોવાના અહેવાલો છે. ઘણા વિસ્તારોમાં 'નો સ્ટોક' ના બોર્ડ લાગતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો, જેના કારણે સરકારી ખાતરી છતાં લોકોમાં અસંતોષ અને ચિંતા વધી છે.
ગાંધીનગરમાં વિધાનસભાની નજીક આવેલા પંપો પર પણ સ્ટોક ખાલી થઈ જતા કલાકો સુધી રાહ જોનારા વાહનચાલકોએ ભારે નિરાશા સાથે પરત ફરવું પડ્યું હતું.
વડોદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થિતિ તંગ બની હતી, જ્યાં દામાપુરા પાસેના એક પેટ્રોલ પંપ પર સ્થાનિક લોકો અને સંચાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. આક્ષેપ છે કે પંપ સંચાલકો દ્વારા ટુ-વ્હીલર ચાલકોને બદલે મોટા વાહનો અને કેરેબાઓમાં ઇંધણ આપવામાં આવતા સામાન્ય જનતાએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હાલમાં સમગ્ર રાજ્યમાં ઇંધણના પુરવઠાને લઈને તંત્ર સતર્ક છે, પરંતુ પંપો પર વધતી ભીડને કાબૂમાં લેવી વહીવટી તંત્ર માટે મોટો પડકાર બની રહી છે.












Click it and Unblock the Notifications
