કફ સિરપ મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ બે સિરપનો જથ્થો પરત ખેંચવા આદેશ
Gujarat News: કથિત રીતે અસુરક્ષિત કફ સિરપના મુદ્દે ગુજરાત સરકારે તાત્કાલિક અને કડક પગલાં લીધા છે. રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે સરકારે બજારમાંથી આ કફ સિરપનો સંપૂર્ણ જથ્થો પરત ખેંચી લેવાનો આદેશ જાહેર કર્યો છે.

ગુજરાતના આરોગ્ય મંત્રી એક્શનમાં
ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rushikesh Patel) આ મામલે સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, જે બે કફ સિરપ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, તેનો જેટલો પણ જથ્થો ગુજરાતના બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે, તેને તાત્કાલિક અસરથી પરત ખેંચી લેવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી કે જ્યાં સુધી આ બંને કફ સિરપનો સમગ્ર જથ્થો બજારમાંથી સંપૂર્ણ રીતે પરત ખેંચાઈ ન જાય, ત્યાં સુધી ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) આખી પ્રક્રિયા પર સતત દેખરેખ રાખશે અને કાર્યવાહી કરશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં લાઇસન્સ ધરાવતી કુલ 624 ઓરલ લિક્વિડ દવા બનાવતી કંપની છે. જે તેમના ઉત્પાદનોનો પુરવઠો રાજ્યની અંદરના અધિકૃત વિતરણકારો મારફતે તેમજ રાજ્ય બહારના વિસ્તારોમાં પણ સપ્લાય કરે છે.
તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલી મે. શેપ ફાર્મા પ્રા. લિ. તેમજ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં આવેલી મે. રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સ લિ. દ્વારા ઉત્પાદિત કફ સિરપના નમૂનાઓ 'નોટ ઑફ સ્ટાન્ડર્ડ' જાહેર થયા હતા. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા ગત તા. 3થી 5 ઓક્ટોબર, 2025 દરમિયાન આ બંને પેઢીઓની જોખમ-આધારિત સંયુક્ત તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ફેલ થતા બંને પેઢીઓને NSQ દવાઓનો જથ્થો તાત્કાલિક ધોરણે બજારમાંથી પાછો ખેંચી લેવા (રીકોલ કરવા) માટે પણ આદેશ કરવામાં આવ્યો છે.
ગ્રાહકોને અપીલ
સરકારના આ પગલાનો હેતુ એ છે કે રાજ્યના કોઈ પણ નાગરિક દ્વારા આ વિવાદાસ્પદ કફ સિરપનો ઉપયોગ ન થાય અને જાહેર સ્વાસ્થ્ય જોખમાય નહીં.












Click it and Unblock the Notifications
