ગુજરાતમાં રોકાણકારોને ખેંચી લાવવા 9 IAS ઉપડ્યાં વિશ્વ પ્રવાસે
ગાંધીનગર, 8 ઓગસ્ટ : ગુજરાત સરકાર દ્વારા દર બે વર્ષે યોજાતી હાઇ પ્રોફાઇલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 2015માં યોજાનારી 7મી ઇવેન્ટને ગુજરાતમાં રોકાણની દ્રષ્ટિએ સફળ બનાવવા માટે ગુજરાતના 9 IAS અધિકારીઓ તૈયારી કરવા લાગ્યા છે. દુનિયાભરમાંથી ગુજરાતમાં રોકાણ ખેંચી લાવવા માટે આ અધિકારીઓ આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વિશ્વ ભ્રમણ કરવાના છે.
મહત્વની બાબત એ છે કે આ સમિટમાં નવા ક્ષેત્રો જેવા કે સ્વાસ્થ્ય, શિક્ષણ, કૃષિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગુજરાતમાં પ્રથમવાર યોજવામાં આવનારા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી - PBD) ઉપર પણ વધારે મહત્વ આપવામાં આવશે. નોંધનીય છે કે પ્રવાસી ભારતીય દિવસ એટલા માટે પણ મહત્વનો છે કારણ કે આ દિવસે સૌથી મોટો NRIsનો મેળો જામે છે. આ મેળાવડામાં વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (સીએસઆર - CSR)ના સ્વરૂપમાં ભારતમાં રોકાણ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવે છે.

માનવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બંને મહત્વની ઇવેન્ટમાં હાજરી આપશે. વર્ષ 2015માં પ્રવાસી ભારતીય દિવસ 9 જાન્યુઆરીએ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 14 જાન્યુઆરીએ યોજાશે.
ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર જે અધિકારીઓ રોકાણને આકર્ષવા વિદેશ જવાના છે તેમાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના એમડી અતાનુ ચક્રવર્તી (યુનાઇટેડ સ્ટેટ્સ - વેસ્ટ કોસ્ટ), ગુજરાત મેરિટાઇમ બોર્ડના વીપી અને સીઇઓ એ કે રાકેશ (નેધરલેન્ડ અને ફિનલેન્ડ), નવી દિલ્હીના રેસિડેન્સ કમિશનર ભરત લાલ (યુનાઇટેડ સ્ટેટ્સ - ઇસ્ટ કોસ્ટ), ઇન્ડસ્ટ્રીઝ કમિશનર કમલ દાયાણી (જાપાન), SPIPA ડાયરેક્ટર જનરલ પંકજ કુમાર (ઓસ્ટ્રેલિયા), સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના એમડી જે એન સિંઘ (જર્મની અને ફ્રાંસ), મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ એલ ચાઉંગો (સિંગાપોર અને ચાઇના), મુખ્યમંત્રીના મુખ્ય સચિવ જી સી મુર્મુ (રશિયા) અને ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડાયરેક્ટર બી બી સ્વૈન (કતાર અને યુએઇ)નો સમાવેશ થાય છે.
આ અધિકારીઓ સાથે વિવિધ ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ સાથે જવાના છે. આ પ્રતિનિધિમંડળમાં સંખ્યા 10 રાખવાની સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
