નવેમ્બર મહિનામાં પડી શકે છે વધુ એક માવઠું, જાણો લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલો ભારે વરસાદ હવે ધીમો પડ્યો છે. હવામાન વિભાગે પણ વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે, પરંતુ રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 5 નવેમ્બર સુધી કમોસમી વરસાદ જોવા મળી શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદી ઝાપટાં પડી શકે છે. 4 થી 8 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપની અસરથી 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાશે.

વરસાદી માહોલની વાત કરીએ તો, જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાત, તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 5 નવેમ્બર પછી વાતાવરણમાં સુધારો થશે અને આકાશ સ્વચ્છ બનવાની ધારણા છે.
તાપમાનની દ્રષ્ટિએ 15 નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. અંબાલાલ પટેલે રાજ્યમાં કડકડતી ઠંડી અંગે પણ આગાહી કરી છે. તેમના મુજબ 7 નવેમ્બરથી ઠંડીનો પ્રારંભ થશે અને 1 ડિસેમ્બરથી ઠંડા પવનોનું જોર વધશે.
આ ઉપરાંત 7 નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું અનુમાન છે. 18 નવેમ્બર પછી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની સંભાવના છે. અરબ સાગરમાંથી ભેજ ગુજરાત તરફ આવવાને કારણે 18 થી 24 નવેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી માવઠા જેવું હવામાન સર્જાઈ શકે છે.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પાક ધોવાઈ ગયા છે. છેલ્લા અઠવાડિયાથી ચાલી રહેલા માવઠાથી મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે.












Click it and Unblock the Notifications
