Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. એકતરફ સૂર્યનારાયણ આકરા પાણીએ છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં કવખતે વરસાદ એટલે કે માવઠાની મોટી આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યના અનેક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે.

ભારે પવન સાથે વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની સાથે સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. અમદાવાદમાં પણ વાતાવરણ વાદળછાયું રહેશે, જ્યાં તાપમાનનો પારો 36થી 37 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે.
કયા વિસ્તારોમાં ક્યારે પડશે વરસાદ?
રાજ્યમાં બે અલગ-અલગ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેની અસર હેઠળ આગામી 4 એપ્રિલ સુધી માવઠું પડી શકે છે:
- આજે (3 એપ્રિલ): બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત સુરત, ભરૂચ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
- 4 એપ્રિલના રોજ: અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને અરવલ્લી જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી શકે છે.
કેમ સર્જાયું વરસાદી વાતાવરણ?
હવામાન નિષ્ણાતોના મતે, હાલમાં દક્ષિણ-પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાનને અડીને આવેલા વિસ્તારોમાં પણ 1.5 કિમીની ઊંચાઈ પર અન્ય એક સિસ્ટમ કાર્યરત છે. આ ડબલ સિસ્ટમની અસરને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવ્યો છે.
નોંધ: ખેડૂતોને આ કવખતના વરસાદને પગલે સાવચેત રહેવા અને ખેતપેદાશોને સુરક્ષિત સ્થળે ખસેડવા સલાહ આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
