ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે તાપમાનમાં વધારો, જાણો તમારા શહેરનું તાપમાન
Gujarat Weather: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કકડતી ઠંડીમાં હવે થોડી રાહત જોવા મળી રહી છે. રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને કારણે ઠંડીના જોરમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લીધે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થયો છે.

સવારના સમયે ધૂંધળું વાતાવરણ અને લો વિઝિબિલિટી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માત્ર તાપમાનમાં જ ફેરફાર નથી થયો, પરંતુ વાતાવરણમાં ધૂંધળાશ પણ જોવા મળી રહી છે. ખાસ કરીને રાજ્યના ઉત્તર અને દક્ષિણ ભાગોમાં સવારના સમયે ધુમ્મસ જેવું વાતાવરણ રહેતા વિઝિબિલિટી (દૃશ્યતા) માં ઘટાડો નોંધાયો હતો, જેના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મુખ્ય શહેરોમાં તાપમાનની સ્થિતિ
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે.
- અમદાવાદ: 18.6 ડિગ્રી
- ગાંધીનગર: 18.2 ડિગ્રી
- સુરત: 20.0 ડિગ્રી
- ડીસા: 16.8 ડિગ્રી
- ભુજ: 14.6 ડિગ્રી
ઠંડીમાં રાહત પણ માંદગીનો ભય
તાપમાનમાં અચાનક થયેલા આ વધારાને કારણે વહેલી સવારે અનુભવાતી કડકડતી ઠંડી ઓછી થઈ છે. જોકે, વાતાવરણમાં આવતા આવા વારંવારના ફેરફાર અને ધૂંધળા વાતાવરણને કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી-ઉધરસ જેવી બીમારીઓ વધવાની શક્યતા પણ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. આગામી દિવસોમાં પવનની દિશા બદલાતા ફરીથી ઠંડીમાં વધારો થઈ શકે છે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.












Click it and Unblock the Notifications
