ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી
ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ કુદરતે મિજાજ બદલ્યો છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં વાવાઝોડા સાથે માવઠું થયું છે. વાવ, થરાદ અને સુરેન્દ્રનગર સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં અચાનક વાતાવરણ પલટાયું છે અને વરસાદી માહોલ જામ્યો છે.

IMDના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના મતે, આગામી ૨૪ કલાક દરમિયાન રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે. કચ્છ, જામનગર, રાજકોટ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે, જેને પગલે સાવચેતી રાખવી જરૂરી છે. હવામાન વિભાગે દરિયામાં ભારે કરંટ હોવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે કડક સૂચનાઓ પણ આપી દીધી છે.
૨૦ માર્ચના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા સરહદી જિલ્લાઓમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, આગામી ૨૪ કલાક બાદ વાતાવરણમાં ફરી ગરમીનો પારો ઉંચકાશે અને તાપમાનમાં ૪ થી ૫ ડિગ્રી સેલ્સિયસનો ધરખમ વધારો થઈ શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ૨૦ માર્ચ સુધી તેજ પવન અને વાદળછાયું વાતાવરણ યથાવત રહેશે.
અંબાલાલ પટેલની નવી ભવિષ્યવાણી મુજબ, માર્ચના અંતમાં ફરી ત્રણ નવા પશ્ચિમી વિક્ષેપ સક્રિય થતા વરસાદી સિસ્ટમ ફરીથી જોવા મળી શકે છે. ખાસ કરીને ૨૫ થી ૩૧ માર્ચ દરમિયાન રાજ્યના હવામાનમાં ફરી પલટો આવશે અને એપ્રિલ મહિનામાં પણ કમોસમી માવઠું થવાની પૂરી શક્યતા છે. હાલમાં ડબલ સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં ઉનાળાની સિઝનમાં પણ ચોમાસા જેવો અહેસાસ થઈ રહ્યો છે, જે ખેતી માટે નુકસાનકારક છે.












Click it and Unblock the Notifications
