પુરા શિયાળા દરમિયાન વાતાવરણ કેવુ રહેશે? આવી ગઈ અંબાલાલ પટેલની વિસ્તૃત આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરથી એપ્રિલ સુધીની વિસ્તૃત હવામાન આગાહી કરી છે. તેમણે આગામી સમયગાળા દરમિયાન વાતાવરણ ડામાડોળ રહેવાની, ઠંડીનો પ્રકોપ વધવાની, કમોસમી વરસાદની સંભાવના અને ઉનાળામાં આકરા તાપમાનની ચેતવણી આપી છે.
ડિસેમ્બરમાં વાતાવરણમાં વ્યાપક પલટો જોવા મળશે. 16 અને 17 ડિસેમ્બરથી હળવા વાદળો જોવા મળશે. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપોની શક્યતા છે, જેના કારણે ઉત્તરના પર્વતીય પ્રદેશોથી રાજસ્થાન સુધી હવામાનમાં ફેરફાર થશે. ઉત્તરીય પર્વતિય ભાગોમાં 2 ઈંચ જેટલો કમોસમી વરસાદ થવાની પણ સંભાવના છે.

રાજ્યમાં 16 ડિસેમ્બરે ઠંડીમાં થોડી રાહત મળતા લઘુત્તમ તાપમાન કેટલાક ભાગોમાં 17-20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહી શકે છે, જોકે સમુદ્રકાંઠાના ભાગોમાં ઠંડી ચાલુ રહેશે. 19 થી 21 ડિસેમ્બર દરમિયાન વાદળો ઘેરાશે તેવી પણ સંભાવના છે.
વધુમાં 18 થી 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનશે. તેના ભેજ અને અરબી સમુદ્રના હળવા ભેજના કારણે ચક્રવાતીય સર્ક્યુલેશન સર્જાશે. આના પરિણામે બનાસકાંઠાના ભાગોમાં 10-11 ડિગ્રી અને કચ્છમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે.
ડિસેમ્બરના અંતમાં બંગાળમાં સક્રિય થતી સિસ્ટમથી હળવું ચક્રવાત બની શકે છે, જ્યારે 24 ડિસેમ્બરે અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. 22 ડિસેમ્બર સુધીમાં ગુજરાતનું હવામાન ફરી પલટાશે અને દેશના ઉત્તરીય પર્વત વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે. 27 ડિસેમ્બર આસપાસ ઠંડીનું જોર ફરી વધશે અને હવામાન બદલાશે.
જાન્યુઆરી માસ માટે અંબાલાલ પટેલે હાડ ધ્રુજાવતી ઠંડીની આગાહી કરી છે. 11 જાન્યુઆરી આસપાસ ઠંડીનો વેગ મળશે અને મજબૂત પશ્ચિમી વિક્ષેપોને કારણે વાદળછાયું વાતાવરણ તથા કમોસમી માવઠું પડવાની પણ સંભાવના છે. રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 10-11 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા રહેશે.
ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો વેગ ચાલુ રહેશે. એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહેવાથી સવારે હળવા ધુમ્મસ અને બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. માર્ચ મહિનામાં પણ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. ઉત્તર ગુજરાતમાં ધૂળકટ અને મધ્ય ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે, જ્યાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
કચ્છમાં માર્ચમાં પવનનું જોર વધુ રહેશે. ઉત્તર ભારતમાં કમોસમી વરસાદની શક્યતાના કારણે રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ રહી શકે છે. એપ્રિલ મહિના માટે અંબાલાલ પટેલે 39 ડિગ્રી સેલ્સિયસ સુધી મહત્તમ તાપમાનની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડશે અને ગરમી અકળાવનારી બની રહેશે.
ઉત્તરીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એપ્રિલમાં વાદળો છવાશે અને કેટલાક ભાગોમાં કરા પડવાની સંભાવના છે. સાથે જ, ધૂળભરી આંધીઓ અને દરિયામાં ચક્રવાતની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
