ફોઇબા અને અમિત શાહને ત્યાં હાર્દિક આજે કરશે શક્તિ પ્રદર્શન
હાર્દિક પટેલ આજે અમિત શાહના નારણપુરા અને આનંદીબેનના ઘાટલોડિયા વિસ્તારમાં રોડ શો કરીને બતાવશે પોતાનું શક્તિ પ્રદર્શન. જાણો આ અંગે વધુ અહીં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યાં બીજા તબક્કાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યાં ભાજપના મત તોડવા માટે અને શક્તિ પ્રદર્શન કરવા માટે હાર્દિક પટેલ આજે ઘાટલોડિયા અને નારણપુરામાં રોડ શો કરશે. નોંધનીય છે કે ભાજપના બે મોટા નેતા આનંદી બેન પટેલ અને અમિત શાહના આ બન્ને વિસ્તારો છે. આનંદીબેન ઘાટલોડિયા બેઠક પરથી પહેલા જીતેલા છે. ત્યારે હાર્દિક જેને કટાક્ષમાં ફોઇબા કહીને બોલાવે છે તેવા આનંદીબેનના ઘાટલોડિયા વિસ્તારમાં આજે તે ભવ્ય રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કરશે. સાથે જ નારણપુરા જે અમિત શાહનો વિસ્તાર છે ત્યાંથી હાર્દિકનો આ રોડ શો પસાર થશે. ત્યારે આ બન્ને વિસ્તારોમાં હાર્દિકના રોડ શો ભાજપની મુશ્કેલી ચોક્કસથી વધારશે.

હાર્દિક પટેલ તેનો આ રોડ શો બોપલથી શરૂ કરવાનો છે. જે નારણપુરાને ઘાટલોડિયાથી પસાર થઇ નિકોલ વિસ્તારમાં જશે. જ્યાં તેની સભા પણ યોજાશે. નોંધનીય છે કે રવિવારે રાતે હાર્દિકે મહેસાણાની બહાર પાટલમાં પણ એક ઉત્તર ક્રાંતિ સભા યોજી હતી. જેમાં તેણે કહ્યું હતું કે સૌરાષ્ટ્ર અને સુરત તો તેની શક્તિ બતાવી દીધી હવે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતનો વારો છે. સાથે જ તેણે અમદાવાદમાં યોજાનારા તેના રોડ શોમાં પણ મોટી સંખ્યામાં હાજર રહેવા માટે લોકોને હાકલ કરી હતી. સાથે જ તેણે કહ્યું કે મારી લડાઇ 18મી તારીખ પૂરતી જ નથી જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી આ આંદોલન પૂર્ણ નહીં થાય. સાથે જ તેણે કહ્યું કે સાહેબની સભામાં ખુરશીઓ ખાલી રહે છે જે બતાવે છે કે પાટીદારની ખુમારી આ વખતે દેખાશે.












Click it and Unblock the Notifications
