જાણો તમારા ઉમેદવારને: ધોરાજીથી ભાજપના હરિભાઈ પટેલ
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ધોરાજીની સીટ પરથી ભાજપના હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. હરિભાઈ પટેલ વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ધોરાજીની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે હરિભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો હરિભાઈ પટેલ વિષે થોડુ જાણીએ. 64 વર્ષના હરિભાઈ 2004માં પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. એ સમયે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રભાવ હોવા છતાં હરિભાઈ પોરબંદરથી વિજેતા થયા હતા.

ગુજરાતની ધોરાજીની સીટ કોંગ્રેસનું ગઢ ગણાતી હતી. વર્ષ 2009 અને 2012 બંન્ને વિધાનસભાની ચૂંટણીમાં અહીં કોંગ્રેસની જીત થઈ હતી. પરંતુ 2013માં ધોરાજીના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયાને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, આથી આ સીટ પોતાને નામ કરવા ભાજપ લોકસભાની ચૂંટણી લડ્યા હોય તેવા અનુભવી ઉમેદવારની પસંદગી કરી કોંગ્રેસને બરાબરની ટક્કર આપવા તૈયાર છે. હરિભાઈના પિતાનું નામ માધવજીભાઈ પટેલ છે, હરિભાઈએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ મંજુલાબેન છે. 2012માં તેમની કુલ સંપત્તિ 4 કરોડની આસપાસ તેમણે જણાવી હતી. તેમની પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો.












Click it and Unblock the Notifications
