ગુજરાત સહિત દેશભરમાં કોલ્ડ વેવ, નલિયા સૌથી ઠંડુ શહેર
દેશભરના હવામાનમાં હાલમાં મોટો પલટો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની સીધી અસર મેદાની પ્રદેશો પર પડી છે, જેના કારણે કડકડતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે.
ગુજરાતમાં પણ શિયાળાની પૂરતી જમાવટ થઈ ગઈ છે, જ્યાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયું છે. આ સાથે જ, દેશના ઘણા મોટા શહેરોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી જારી કરવામાં આવી છે.

આ સિવાય પર્વતીય રાજ્યોમાં તો હિમવર્ષાની આગાહી પણ કરવામાં આવી છે, તેથી લોકોને સાવધ રહેવા જણાવાયું છે.
ગુજરાતમાં શિયાળો હવે તેના પૂરા રંગમાં આવી ગયો છે અને ઠંડીનો અનુભવ તીવ્ર બની રહ્યો છે. હવામાન વિભાગના આંકડાઓ અનુસાર, રાજ્યમાં લઘુતમ તાપમાન 10.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
10.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યાં ઠંડા પવનોના કારણે લોકો રીતસર ઠુંઠવાયા હતા. અન્ય શહેરોની વાત કરીએ તો, અમદાવાદમાં 16.4 ડિગ્રી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
ઉત્તર ભારતના અનેક મુખ્ય શહેરોમાં ગાઢ ધુમ્મસ (Dense Fog) ની ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં પ્રયાગરાજ, કાનપુર, લખનૌ, આગ્રા, ટુંડલા, ચંદીગઢ, દિલ્હી, નૈનિતાલ, અમૃતસર અને શિમલા જેવા શહેરો સામેલ છે.
હવામાન વિભાગે સવારે વાહન ચલાવતા મુસાફરોને અત્યંત સાવચેત રહેવા જણાવ્યું છે, કારણ કે ગાઢ ધુમ્મસના કારણે દૃશ્યતા (Visibility) માં ભારે ઘટાડો થવાથી અકસ્માતનો ખતરો વધી શકે છે.












Click it and Unblock the Notifications
