જેદ્દાહથી 200 ભારતીયોને લઈને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ફસાયેલા ભારતીયો માટે રાહતના સમાચાર આવ્યા છે. જેદ્દાહથી ઉપડેલું ઇન્ડિગોનું ખાસ વિમાન મંગળવારે મોડી રાત્રે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું હતું.

આ વિશેષ ફ્લાઈટમાં અંદાજે 200 જેટલા ભારતીય મુસાફરો સ્વદેશ પરત ફર્યા છે. એરપોર્ટ પર પોતાના સ્વજનોને જોઈને પરિવારો ભાવુક થઈ ગયા હતા અને અનેક દિવસોની ચિંતાનો અંત આવતા તમામના ચહેરા પર રાહત જોવા મળી હતી.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા વિવાદને કારણે ખાડી દેશોમાં હવાઈ સેવાઓ ખોરવાઈ ગઈ હતી. મુસાફરોને પરત લાવવા માટે અમદાવાદ સહિત દિલ્હી અને મુંબઈ જેવા શહેરોથી ખાસ ફ્લાઈટ્સ ઓપરેટ કરવામાં આવી રહી છે જેથી નાગરિકો સુરક્ષિત ઘરે પહોંચી શકે.
ઇન્ડિગો એરલાઇન્સે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે તેઓ જેદ્દાહથી અમદાવાદ, મુંબઈ અને હૈદરાબાદ માટે ચાર સ્પેશિયલ ફ્લાઈટ્સ ચલાવશે. આ કામગીરીનો મુખ્ય હેતુ ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેની ફ્લાઈટ્સને ફરી સામાન્ય બનાવવાનો છે.
માત્ર ઇન્ડિગો જ નહીં પરંતુ એર ઇન્ડિયા અને એમિરેટ્સ જેવી કંપનીઓ પણ ભારતીયોને પરત લાવવા પ્રયાસ કરી રહી છે. દુબઈ એરપોર્ટ પર પણ મર્યાદિત કામગીરી શરૂ થઈ હોવાથી આગામી દિવસોમાં વધુ લોકો ભારત પરત ફરે તેવી શક્યતા છે.












Click it and Unblock the Notifications
