કચ્છના ભાંજડા બેટનો 141 વર્ષ બાદ પ્રથમવાર અભ્યાસ કરાયો

હાલમાં કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકત્તાની પ્રેસિડેન્સી યુનિવર્સિટીના પ્રો. ડી કે પોલ અને ડૉ. અરિજિત રે આવ્યા હતા. તેમણે ડિપાર્ટમેન્ટ સાથે મળીને કચ્છના અગ્નિકૃત ખડકોનું સંશોધન હાથ ધર્યું હતું. આ માટે તેમણે કચ્છના ખડીરના ભાંજડા બેટને પસંદ કર્યો હતો. છેલ્લે વર્ષ 1872માં અહીં આ પ્રકારનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. એટલે કે 141 વર્ષ બાદ અહીં ફરી અભ્યાસ કરવામાં આવ્યો છે.
અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સ ડિપાર્ટમેન્ટના વડાડૉ જી એમ ઠક્કર અને ઇન્સપેક્ટર ફેલો ગૌરવ ચૌહાણ સાથે મળીને કચ્છના આ વિશિષ્ટ અગ્નિકૃત ટાપુ પરના ખડકોનો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.આ પૂર્વે જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા ડૉ વાયને 1872માં અહીંનો સર્વે કર્યો હતો.
નિર્જન રહેતા ભાંજડા બેટ પર આવેલા વિવિધ જ્વાળામુખી ખડકો જેવા કે ફોનોલાઇટ, ટ્રેકાઇટ, સાયનાઇટ વગેરેનો વિસ્તૃત અભ્યાસ કરીને તેનું મેપિંગ કરવામાં આવ્યું હતું. અહીંથી લીધેલા ખડકના નમૂનાઓ વિભાગના મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યા હતા. તે પરીક્ષણ માટે ભારતની વિવિધ પ્રયોગશાળામાં પણ મોકલી આપવામાં આવ્યા છે. અભ્યાસના પ્રારંભિક તબક્કાના તારણો અનુસાર આ જ્વાળામુખી અને આંતરભેદક 6.5 કરોડ વર્ષ જૂના હશે એમ લાગી રહ્યું છે. આ સાથે તેમણે ભુજિયા ડુંગરના અગ્નિકૃત ખડકોનો પણ અભ્યાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
