સિંહો વચ્ચેની લડાઈમાં ઘાયલ થયેલા સિંહનું વન વિભાગની બેદરકારીને કારણે મોત

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગીરના સિંહ આમ તો જગ વિખ્યાત છે. પરંતુ તેની સારભરામાં કોઈ ખાસ સાવચેતી ન રખાતી હોય તેવી બાબતો સામે આવી રહી છે. સૌરાષ્ટ્રના ધારી ગીર પૂર્વ નીચે આવતા ખાંભા તુલસીશ્યામ રેન્જના પીપળીયા રાઉન્ડમાં અંધેરી વિસ્તારમાં આજે 9 થી 12 વર્ષના સિંહનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયા બાદ એવો રિપોર્ટ આવ્યો કે, વીસ દિવસ પહેલાં ઈનફાઈટમાં આ સિંહ ઘાયલ થયો હતો. તેની જાણ વનતંત્રને હતી, છતાં કોઈ સારવાર ન કરતાં બેદરકારીના કારણે તેનું મૃત્યુ થયું હતું.

Lion death

જાણવા મળ્યા મુજબ, ખાંભાના પીપળીયા રાઉન્ડ હેઠળના જંગલમાં બે સિંહો વચ્ચે ઈનફાઈટ થઈ હતી. વીસ દિવસ પહેલાં બનેલા આ બનાવની એક બીટ ગાર્ડને ખબર હતી અને તેણે વનતંત્રના ધ્યાને આ વાત મુકી હતી કે, આ વિસ્તારમાં ઈનફાઈટમાં એક સાવજ ઘાયલ થયો છે. જો કે, આ મામલે વનતંત્રે ખાસ ધ્યાન આપ્યું નહોતું અને વધારે પડતી ઈજાના કારણે ઘાયલ સાવજ મૃત્યુ પામ્યો હતો.

સિંહના મૃત્યુની જાણ થતાં વેટરનરી ડોક્ટર વામજા અને તેની ટીમે પોસ્ટ મોર્ટમ કર્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં એવો ઉલ્લેખ છે કે, જો વન વિભાગે આ બાબતને ગંભીરતાથી લીધી હોત અને સિંહને તાકીદે સારવાર આપી હોત તો બચી શક્યો હોત. વન વિભાગની બેદરકારીના કારણે સિંહનું મૃત્યુ થયું છે. તેના કારણે સિંહ પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો હતો. હવે જોવું રહ્યું કે સિંહના રક્ષણ માટે વન વિભાગ ભવિષ્યમાં કેવાં પગલાં લે છે .

English summary
Lion's death due to negligence of forest department.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.