Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે મેદાનમાં છે 265 ઉમેદવારો
Lok Sabha Election 2024: ગુજરાતમાં 26માંથી 25 સંસદીય મતવિસ્તારો પર લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 265 ઉમેદવારો મેદાનમાં છે.
ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ચૂંટણીના ઉમેદવારી તબક્કા દરમિયાન ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કુલ 433 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.
ગયા શનિવારે ફોર્મ ચકાસણી પ્રક્રિયા દરમિયાન, ECI એ 433 માંથી 328 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે માન્યતા આપી હતી. બાદમાં, સોમવારે બપોરે 3 વાગ્યા સુધીમાં, આમાંથી 63 માન્ય ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેના કારણે 7 મેના રોજ મતદાન માટે 266 ઉમેદવારો મેદાનમાં હતા.
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન નામંજૂર થતાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા, અને અન્ય તમામ ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા હતા.

આ 265 ઉમેદવારોમાં 246 પુરુષ અને 19 મહિલા ઉમેદવારો છે. ECI અમદાવાદ પશ્ચિમ લોકસભા સીટ પર 2 બેલેટ યુનિટ તૈનાત કરશે. કારણ કે, તે ઉમેદવારોની મહત્તમ સંખ્યા, જે 18 છે, વચ્ચે લડાઈ જોવા મળશે. આ દરમિયાન બારડોલી મતવિસ્તારમાં ફક્ત ત્રણ ઉમેદવારો વચ્ચે જ સ્પર્ધા જોવા મળશે.
નોંધનીય છે કે, સોમવારે ઉમેદવારી પાછી ખેંચવાના અંતિમ દિવસે 11 મતવિસ્તાર એવા હતા જ્યાં એકપણ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવ્યું ન હતું. આ મતવિસ્તારોમાં કચ્છ, મહેસાણા, પોરબંદર, ભાવનગર, અમરેલી, ખેડા, આણંદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, બારડોલી અને વલસાડનો સમાવેશ થાય છે.
આ સાથે જ પાંચ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પણ યોજાશે, જેના માટે કુલ 37 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ચકાસણી બાદ 27 ઉમેદવારોને ચૂંટણી લડવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને હવે ફોર્મ પરત ખેંચાયા બાદ પાંચ વિધાનસભા બેઠકો માટે કુલ 24 ઉમેદવારો ચૂંટણીની રેસમાં છે.












Click it and Unblock the Notifications
