આખરે મણીપુરને નવા મુખ્યમંત્રી મળ્યા, વાય. ખેમચંદ સિંહે શપથ લીધા
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને અનિશ્ચિતતાનો આખરે અંત આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ શાસન હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ નવા સમીકરણો રચાયા છે. ભાજપના નેતા વાય. ખેમચંદ સિંહે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના બાદ સત્તાનું હસ્તાંતરણ પ્રક્રિયા ઝડપી બની હતી. 4 ફેબ્રુઆરી, 2026ના રોજ રાષ્ટ્રપતિની સત્તાવાર જાહેરાતે રાજ્યમાં ફરી લોકશાહી શાસનનો માર્ગ મોકળો કર્યો છે. બંધારણના અનુચ્છેદ 356(2) હેઠળ લાદવામાં આવેલું શાસન હવે સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યું છે.
ભાજપના મતે વાય. ખેમચંદ સિંહનું નેતૃત્વ રાજ્યમાં શાંતિ અને સુશાસન સ્થાપવા માટે સક્ષમ છે. જોકે, પડકાર એ છે કે નવી સરકાર વંશીય હિંસાથી પીડાતા રાજ્યમાં સ્થિરતા લાવી શકશે કે નહીં. પક્ષ આ નવા નેતૃત્વ દ્વારા વિકાસના કાર્યોને વેગ આપવા માટે મોટી આશા રાખી રહ્યો છે.
NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ થયા બાદ 62 વર્ષીય ખેમચંદ સિંહે સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ લોક ભવનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. દિલ્હીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ તેમના નામ પર મહોર મારવામાં આવી હતી.
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2025માં એન. બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં કટોકટી સર્જાઈ હતી. મૈતેઈ અને કૂકી સમુદાય વચ્ચેની હિંસા ડામવામાં નિષ્ફળ રહેતા તત્કાલીન સરકારની ભારે ટીકા થઈ હતી. એક વર્ષ સુધી ચાલેલા કેન્દ્રીય શાસન બાદ હવે ફરી સત્તાની બાગડોર ભાજપના હાથમાં આવી છે.












Click it and Unblock the Notifications
