આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 9 ઓગષ્ટથી મારી માટી, મારો દેશ કાર્યક્રમ યોજાશે
સમગ્ર દેશ સહિત ગાંધીનગર જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી- મારો દેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી 9 ઓગષ્ટથી આરંભ થશે. સમગ્ર કાર્યક્રમ માટીને નમન, વીરોને વંદન થીમ પર સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરાશે. આ માટે ગ્રામ કક્ષા થી નવી દિલ્હી સુઘી કાર્યક્રમો યોજાશે.

આજરોજ આ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી સમગ્ર રાજયમાં થાય તેવા ઉમદા આશયથી રાજયના મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષ સ્થાને વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેના અનુસાધને ગાંધીનગર જિલ્લામાં આ કાર્યક્રમના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેક્ટર હિતેષ કોયાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં યોજાનાર મારી માટી - મારો દેશ કાર્યક્રમનો આરંભ તારીખ 9મી ઓગષ્ટના રોજથી થશે. આ કાર્યક્રમ ગ્રામ્ય સ્તરથી આરંભ કરવામાં આવશે. ગ્રામ્ય સ્તરે આ કાર્યક્રમમાં વઘુને વધુ લોકો સહભાગી બને તે માટેનો ઉમદા ભાવ રાખવામાં આવ્યો છે.
ગ્રામ્ય સ્તર ખાતે જે તે ગામની માટી લઇ કળશમાં મૂકવામાં આવશે. આ સાથે સાથે શિલાફલકમ બનાવવામાં આવશે. આ શિલાફલકમમાં ગામના આઝાદી સમયમાં બિલદાન આપનાર શહીદ વીરો સાથે સાથે દેશ માટે પોતાનો જીવ આપનારા લશ્કર કે પોલીસના જવાનોના નામ લખવામાં આવશે.
શિલાફલકમને અમૃત સરોવર, જળાશય કે શાળા-કોલેજા જેવા જાહેર સ્થળે ગામની માટી અને પથ્થરથી ઉભી કરવામાં આવશે. આ સમગ્ર ઉજવણી દરમિયાન પાંચ કાર્યક્રમો યોજાશે. જેમાં શિલાફલકમનું લોકાર્પણ ઉપરાંત નાગરિકો પંચપ્રણ સંદર્ભે સામૂહિક શપથ ગ્રહણ કરશે. જેની સેલ્ફી વેબસાઇડ પર અપલોડ કરી શકાશે.
આ પ્રસંગે વસુધાવંદન કાર્યક્રમ થકી માતૃભૂમિને લીલીછમ બનાવવા માટે ગામના મહત્વના સ્થળ ખાતે 75 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અમૃત વાટિકાનું નિર્માણ કરાશે. વીરોને વંદન કાર્યક્રમ થકી આઝાદીના શહીદો કે દેશ માટે બલિદાન આપનાર જવાનોના પરિવારોનું સન્માન કરવામાં આવશે. તેમજ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત તાલુકાના તમામ ગામની માટી એકઠી કરવામાં આવશે. તેમજ દરેક તાલુકામાંથી એક નવયુવાન પોતાના ટ્રેડિશનલ ડ્રેસ સાથે તાલુકા કક્ષાએથી માટીનો કળશ લઇ દિલ્હી ખાતે યોજાનાર કાર્યક્રમમાં જશે. દિલ્હી ખાતે કર્તવ્યપથ પર સમગ્ર દેશના તાલુકા મથકેથી માટીના કળશ લઇને આવેલા યુવાનોનું એકત્રીકરણ થશે. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે. સમગ્ર ગુજરાત સાથે ગાંધીનગર જિલ્લામાં આ કાર્યક્રમના આયોજન માટે સઘન કામગીરી હાથ ધરાઇ છે.












Click it and Unblock the Notifications
