શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારને ગુજરાત સરકાર તરફથી એક કરોડનો ચેક અર્પણ કરાયો
ગુજરાત સરકારે શહીદ મહિપાલસિંહ વાળાના પરિવારજનોને એક કરોડનો ચેક અર્પણ કર્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને જઈને પરિવારજનોને ચેક અર્પણ કર્યો. મહિપાલસિંહના પરિવારજનોને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સેના તરફથી 2 કરોડ 75 લાખની સહાય મળશે.

જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ગુજરાત રાહત ફંડમાંથી રૂપિયા એક કરોડ શહીદનાં પત્નીને સહાય પેટે આપવામાં આવ્યા છે. આ ઉપરાંત શહીદ જવાનના બાળકને તે પચ્ચીસ વર્ષના થાય અને શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી દર મહિને 5 હજારની સહાય ચૂકવાશે. આ સિવાય પત્ની અને માતા બન્નેને દર મહિને રૂપિયા 5-5 હજારની માસિક સહાય ચૂકવવામાં આવશે.
સામાન્ય રીતે સેનામાં દરેક જવાન 19 વર્ષના કાર્યકાળ બાદ નિવૃત્ત થતા હોય છે, વીર મહિપાલસિંહ સાત વર્ષની ફરજ બાદ શહીદ થયા છે ત્યારે તેમના પરિવારજનોને આગામી ૧૨ વર્ષ સુધી તેમના પગાર-ભથ્થા અને ઇજાફા સહિતના તમામ લાભ કેન્દ્ર સરકાર તથા સૈન્ય દ્વારા અપાશે.
આ ઉપરાંત શહીદ વીર મહિપાલસિંહના પરિજનોને કેન્દ્ર સરકાર તરફથી ૩૫ લાખ, જમ્મુ-કાશ્મીર સરકાર તરફથી ૨૫ લાખ, ડીએસપી એકાઉન્ટ હોલ્ડર તરીકે એસબીઆઈ તરફથી ઇન્શ્યોરન્સના ૫૦ લાખ, એજીઆઈ ઇન્શ્યોરન્સ કવરના ૪૦ લાખ, વિશેષ ફેમિલી પેન્શન હેઠળ દર મહિને ૪૦ હજાર, આર્મ્સ્ડ ફોર્સીસ બેટલ કેઝ્યુઅલ્ટિ વેલફેર ફંડમાંથી આઠ લાખ તથા અન્ય સહાય મળીને અંદાજે બે કરોડ ૭૫ લાખની સહાય પ્રાપ્ત થશે.












Click it and Unblock the Notifications
