પુરવઠા વિભાગના અગ્ર સચિવે વાજબી ભાવના દુકાનદારોને વિતરણ શરૂ કરવા વિનંતી કરી
અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ શ્રીમતી મોના ખંધારે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વાજબી ભાવના દુકાનદારોને તાત્કાલિક વિતરણ કામગીરી શરૂ કરવા વિનંતી કરી છે. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી એક બેઠકમાં તેમણે આ અપીલ કરી હતી, જ્યાં અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમતી ખંધારે જણાવ્યું કે, દુકાનદારોના એસોસિએશન દ્વારા રજૂ કરાયેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓને સરકારે તાત્કાલિક સ્વીકારી લીધા છે. તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી અને અન્ન તથા નાગરિક પુરવઠા મંત્રીએ એસોસિએશનોના પ્રશ્નો પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવ્યો છે.

અગ્ર સચિવશ્રીએ સ્પષ્ટતા કરી કે, બાકીના મુદ્દાઓ નીતિ વિષયક હોવાથી તેની પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં તેના સકારાત્મક પરિણામો જોવા મળશે. તેમણે ચલણ ભરીને કામગીરી શરૂ કરનાર દુકાનદારોનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આપણે સૌ સહયોગીઓ છીએ.
તેમણે ખાસ કરીને વર્તમાન વાવાઝોડાની સ્થિતિમાં સામાન્ય લોકોને સમયસર અનાજ પૂરું પાડવાની જવાબદારી નિભાવવા પર ભાર મૂક્યો. શ્રીમતી ખંધારે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સૌ આ જવાબદારી સારી રીતે નિભાવશે. તેમણે ગુજરાતની જાહેર વિતરણ વ્યવસ્થાની પ્રશંસા કરતા જણાવ્યું કે, વન નેશન, વન રાશન જેવી અનેક બાબતોમાં રાજ્ય અગ્રેસર રહ્યું છે.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમારે પણ વાજબી ભાવના દુકાનદારોને ચલણ ભરવા અને વિતરણ કાર્ય નિયમિત રીતે કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા નિયામક શ્રી મયૂર મહેતા, સંયુક્ત નિયામક શ્રી ચેતન ગાંધી, નિવાસી અધિક કલેકટર શ્રી ભાવિન સાગર, ફૂડ કંટ્રોલર શ્રી વિમલ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી શ્રી દિન્તા કથીરિયા સહિત અનેક અધિકારીઓ અને મોટી સંખ્યામાં દુકાનદારો હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
