For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Monsoon 2021 : ‘ઊભો પાક બળતો જોઈ ખેડૂતોની આંખમાં આંસુ.’, ગુજરાતમાં અનેક ગામોમાંથી દુકાળના વાવડ

Monsoon 2021 : ‘ઊભો પાક બળતો જોઈ ખેડૂતોની આંખમાં આંસુ.’, ગુજરાતમાં અનેક ગામોમાંથી દુકાળના વાવડ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
મોરબી તાલુકાના ખેડૂતોએ પાણીની માગણીને લઈને સરકાર સામે મેદાને પડ્યા છે

"છેલ્લા એક મહિનાથી વિસ્તારમાં વરસાદનું એક ટીપુંય નથી પડ્યું. જો હવે સ્થાનિક તંત્ર બે-ત્રણ દિવસમાં ડૅમનું પાણી નહીં આપે, ઊભો મોલ સુકાતો જોઈને ઘણા ખેડૂતોની અવદશા થશે."

મોરબી તાલુકાના ખેવારિયા ગામના ખેડૂત નીલેશભાઈના આ શબ્દોમાં 'જગતના તાત'નું બહુમાન પામનારા ખેડૂતોની, તંત્રની ઉપેક્ષા અને કુદરતના કેરના કારણે થયેલી કફોડી સ્થિતિના પડઘા પડે છે.

નીલેશભાઈના અવાજમાં નિરાશા પ્રતિબિંબિત થઈ રહી છે. તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, "આ વિસ્તારનાં 14 ગામોમાં ઊભો પાક પાણી ન મળવાને કારણે બળવાને આરે પહોંચી ગયો છે. અનેક રજૂઆતો છતાં કોઈ અમારી સામે જોતું નથી. જો એક-બે દિવસમાં તંત્ર અમને પાણીની વ્યવસ્થા નહીં કરી આપે તો ખેડૂતોને કરોડોનું નુકસાન થશે."

હાલ ગુજરાતના મોરબી તાલુકાના સરપંચોએ ખેડૂતોને સાથે રાખી ખેતી માટે પાણી છોડવા મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે.

નોંધનીય છે કે તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતાં સારા પાકની આશામાં વાવેતર કરી ચૂકેલા ખેડૂતો રાજ્ય સરકારના સિંચાઈવિભાગની બેદરકારીને કારણે તેમનો ઊભો મોલ સુકાઈ જશે તેવી ભીતી સેવી રહ્યા છે. મોરબીની જેમ અનેક સ્થળોએ સરકાર પાસે પાણી અને સહાની માગ કરવામાં આવી રહી છે.

મોરબીના ખેડૂતોનો દાવો છે કે અનેક રજૂઆતો છતાં સ્થાનિક તંત્ર દ્વારા મોરબી તાલુકાનાં ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી આપવા બાબતે નિર્ણય લેવામાં વિલંબ કરાઈ રહ્યો છે. જેથી સ્થાનિક ખેડૂતો સાથે મોરબી તાલુકાનાં ગામોનાં સરપંચો દ્વારા મચ્છુ-સિંચાઈ યોજનાની નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી ખાતે ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે.

મોરબી તાલુકા સરપંચ ઍસોસિયેશનના નેજા હેઠળ આ સમગ્ર વિરોધપ્રદર્શન યોજાયું છે. આ અંગે સંપૂર્ણ માહિતી મેળવવા માટે બીબીસી ગુજરાતીએ સ્થાનિક આગેવાનો અને ખેડૂતો સાથે વાત કરી હતી.


'...તો દેવા તળે દબાયેલ ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બનશે'

મોરબી તાલુકાના સરપંચ ઍસોસિયેશનના પ્રમુખ પ્રફુલ્લભાઈ હોથી તાલુકાના ખેડૂતોની હાલની પરિસ્થિતિને દયનીય ગણાવે છે.

તેઓ કહે છે કે, "હાલ ખેડૂતો પોતાના ઊભા પાકને પોતાની આંખ સામે સુકાતો જોઈ વ્યથિત છે. જો આવનારા 24-48 કલાકમાં આ ગામોના ખેડૂતોને પૂરતું પાણી નહીં અપાય તો ઘણા ખેડૂતો પોતે ખેતી માટે લીધેલ કરજના વિષચક્રમાં ફસાઈ જશે. જે ઘણા ખેડૂતોની આત્મહત્યા માટેનું કારણ બની શકે છે."

તેઓ ખેડૂતો દ્વારા વિરોધના આગળના કાર્યક્રમો અંગે માહિતી આપતાં કહે છે કે, "જો આજે અમારી માગ પૂરી નહીં થાય તો અમે એક પ્રતિનિધિમંડળ સાથે આવતીકાલે મુખ્ય મંત્રીને મળવા પહોંચશું. જો તેમ છતાં અમારી માગો નહીં સંતોષાય તો ટ્રેક્ટર રેલી યોજીશું અને ઉપવાસઆંદોલનને વધુ ઉગ્ર બનાવશું."

તેઓ પોતાનાં વિસ્તારના ગામો અને ત્યાં ખેડૂતોની પરિસ્થિતિ અંગે વધુ માહિતી આપતાં કહે છે કે, "મચ્છુ-2 કૅનાલના કમાન્ડ એરિયામાં 14 ગામો આવે છે. હાલ વરસાદ ખેંચાયો છે અને કૅનાલમાં પણ પાણી તૈયાર છે. કલેક્ટર સાહેબ, સાંસદ શ્રી અને નાયબ કાર્યપાલક ઇજનેરને અનેક રજૂઆતો છતાં કૅનાલમાં રહેલ પાણી અમારા પાકને નવજીવન આપવા માટે છોડવાનો નિર્ણય લેવામાં વિલંબ કરાઈ રહ્યો છે. જો હજુ વધુ વિલંબ થશે તો માત્ર પાક જ નહીં અનેક ખેડૂતો પણ મરી જશે એ પાકું છે."

તાલુકામાં ખેડૂતોની સ્થિતિ અંગે વાત કરતાં ખેડૂત નીલેશભાઈ જણાવે છે કે, "પાછલા એક માસથી અમારા વિસ્તારમાં બે એમએમ વરસાદ પણ નથી વરસ્યો. પહેલાં સરકારે કૅનાલનું પાણી આપ્યું એટલે બધા ખેડૂતોએ વાવેતર કરી દીધું હવે ખરાખરીના સમયમાં જ્યારે પાણીની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે તંત્ર દ્વારા બિનજરૂરી વિલંબનું કારણ સમજાઈ નથી રહ્યું. જો આ અંગે જલદી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો માત્ર બે દિવસમાં તમામ પાક નાશ પામશે. અને ખેડૂતોને અભૂતપૂર્વ નુકસાન સહન કરવું પડશે."


નવા પાણીની આવક ન થતાં સર્જાયો વિકટ પ્રશ્ન?

મચ્છુ-2 સિંચાઈ યોજનાના નાયબ ઇજનેર વી.એસ. ભોરણીયાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં વરસાદ ન પડવાના કારણે ડૅમમાં સરપ્લસ પાણી નથી. જેથી સિંચાઈ સમિતિના ઠરાવ મુજબ પીવા માટેનું પાણી અનામત રાખવામાં આવ્યું છે.

તેઓ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ખેતી માટે પાણી પૂરું પાડવામાં થઈ રહેલા વિલંબ માટે જવાબદાર કારણો વિશે વાત કરતાં કહે છે :

"સિંચાઈ સમિતિની ભલામણને આધારે મે-જૂન 2022 સુધી અમુક લેવલથી વધુ પાણી જો ડૅમમાં હોય તો જ તેને સિંચાઈ માટે પૂરું પાડવાની ભલામણ કરાઈ છે. જો એવું ન હોય તો તેવી સ્થિતિમાં પીવા માટે પાણી અનામત રાખવાનું જણાવાયું છે. તેથી આ મડાગાંઠ સર્જાઈ છે."

તેઓ પાણીની તંગી માટે વરસાદની ખેંચને કારણભૂત ગણાવતાં આગળ જણાવે છે કે, "હાલ ડૅમમાં નવા પાણીની આવક નથી થઈ. વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે. તેથી સમિતિની ભલામણને આધારે સિંચાઈ માટે પાણી પૂરું પાડી શકાયું નથી. તેમ છતાં ખેડૂતોની માગણીઓને ઉપલા સ્તરે ટેલિફોનિક વાતચીત દ્વારા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. આ અંગે જલદી જ યોગ્ય નિર્ણય લેવાશે."


સુરેન્દ્રનગરમાંથી પણ દુકાળની રાવ

બીબીસીના સહયોગી સચીન પીઠવા જણાવે છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અપૂરતા વરસાદને લીધે ખેડૂતોની હાલત ખરાબ છે સરકાર પાસે વળતરની માગ કરવામાં આવી છે.

આ અંગે ખેડૂત એકતા મંચના નેજા હેઠળ મૂળી, વઢવાણ, ચોટીલા, લખતર સહિતના તાલુકાઓમાંથી ખેડૂતોએ જિલ્લા પંચાયતે રામધૂન બોલાવી હતી.

ખેડૂતો નુકસાની અંગે તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે એવી માગણી કરી રહ્યાં છે.

ખેડૂતોની માગણીને સુરેન્દ્રનગર જિલ્લા કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ટેકો જાહેર કર્યો છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=wRLXD8vi9rU

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Monsoon 2021: ‘Tears in the eyes of farmers seeing standing crops burning.’, Drought rages from many villages in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X