
વિશ્વના મોટા ભાગના દેશો આજે ગુજરાતમાં મૂડી રોકાણ કરવા આતુર છે: ભૂપેન્દ્રભાઇ પટેલ
આજરોજ મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુખાજી ઠાકોરના સમર્થનમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ એક રોડ શો યોજ્યો હતો. રોડ શો પૂર્ણ થયા બાદ એક વિશાળ જનસભાને સંબોધી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજની આ જનસભા બેચરાજી વિધાનસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં યોજવામાં આવી છે. રાજ્યમાં લોકતંત્રનું મહાપર્વ ઉજવાઇ રહ્યો છે ત્યારે આ સમયે જનતા જનાર્દનના હાથમાં તમામ પક્ષોના લેખા જોખા હોય છે. ગુજરાતની જનતા બધુ જ જાણે છે અને બધું જોયું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતાં ત્યારથી વિકાસની જે કેડી કંડારી છે તેના ઉપર તેમના પછીના મુખ્યમંત્રી તરીકે આવનાર તમામે ચાલવાનું ચાલુ રાખ્યું છે અને ગુજરાતને વિકાસની હરણફાળ થકી વિશ્વ ફલક ઉપર સ્થાપિત કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાહેબે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત તમામ ક્ષેત્રે નંબર ૧ બન્યું છે. મોટા મોટા ઉદ્યોગો ગુજરાતમાં સ્થાપિત થયાં છે અને તેના કારણે વિવિધ રોજગારીઓનું સર્જન થયું છે. વિશ્વના મોટા ભાગના દેશો આજે ગુજરાતમાં મૂડી રોકાણ કરવા આતુર છે. ગુજરાતમાં જે શિક્ષણ વ્યવસ્થા કાર્યરત છે તેવી વ્યવસ્થા દેશના બીજા કોઇ રાજ્યમાં નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જે સંકલ્પ પત્ર થકી પોતાના વિચારો જનતા સમક્ષ મૂક્યા છે તે તમામ પૂર્ણ કરવાની દિશામાં કામ કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી. ગુજરાતની જનતાએ અત્યાર સુધી જે ભરોસો મૂક્યો છે તે ભરોસો જાળવી રાખવા માટે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર કટીબધ્ધ હોય છે. લોકતંત્રના આ મહાપર્વમાં તમામ રેકોર્ડ તોડી સૌથી વધુ કમળ સૌથી વધુ લીડ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલી દેશના યશસ્વી વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવા અને ગુજરાત વિરોધી માનસિકતા ધરાવતા પક્ષને હંમેશને માટે ગુજરાતમાંથી જાકારો આપવા માટે ૧૦૦ ટકા મતદાન કરવા અપીલ કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સુખાજી ઠાકોરના સમર્થનમાં યોજવામાં આવેલ આ રોડ શો અને જનસભામાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોર અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી રજનીભાઇ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં.