નરેન્દ્ર મોદી ભાજપ કેટલી બેઠકો જીતશે એ અંગે કેમ મૌન?

narendra-modi-thinking-posture
ગુજરાતમાં લોકશાહીનું મહાપર્વની ઉજવણી ચાલી રહી છે. 17 ડિસેમ્બરે બીજા તબક્કાના મતદાન બાદ ચૂંટણી પ્રક્રિયાની અડધી કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને બેશક બધાની નજર 20 ડિસેમ્બર, 2012ના રોજ યોજાનારી મતગણતરી પર ઠરી છે. મતદાનના પ્રથમ અને બીજા તબક્કામાં ગુજરાતમાં વિક્રમી મતદાન નોંધાયું છે. વિપક્ષ સિવાયના બધા જ લોકો નરેન્દ્ર મોદી હેટ્રિક લગાવશે તેનો દાવો કરી રહ્યા છે. એક્ઝિટ પોલ દર્શાવે છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપ ગાંધીનગરની ગાદી જાળવી રાખશે. ત્યારે નોંધપાત્ર બાબત એ છે કે નરેન્દ્ર મોદીએ આ વખતે ગુજરાતમાં ભાજપનું વાવાઝોડું ફૂંકાવાનું છે, અભૂતપૂર્વ મતદાન ભાજપની તરફેણમાં છે, મીડિયાએ પ્રો ઇન્કમ્બન્સી અંગે વિચારવું પડશે એવા નિવેદનો તો આપ્યા છે પણ ગુજરાતમાં ભાજપને 182માંથી કેટલી બેઠકો મળવાનો અંદાજ છે તે અંગે મગનું નામ મરી પાડતા નથી.

ગુજરાતમાં કેટલી બેઠકો અંગે ભાજપનો વિજય થશે એ અંગે નરેન્દ્ર મોદીનું મૌન એક નહીં અનેક પ્રશ્નો સર્જે છે. તેમાંથી મુખ્ય એ છે કે નરેન્દ્ર મોદી મતદાનની ઊંચી ટકાવારીથી કદાચ ફફડી ઉઠ્યા છે. આ કારણે તેઓ બેઠકો અંગેનો આંકડો ઉચ્ચારતા નથી. તેમને અંદરો-અંદર એવો ડર છે કે ગુજરાતમાં આવેલી મતદાનની આંધીમાં ક્યાંક ગુજરાત ભાજપના જ સૂપડાં સાફ થઇ ના જાય. જો આમ થશે તો ગુજરાતની સત્તા તો ગુમાવવી જ પડશે પણ રહી ગયેલી શાખ પણ તેમાં ફંગોળાઇ જશે.

નરેન્દ્ર મોદીના શાસનમાં યોજાયેલી પાછલી બે વિધાનસભા ચૂંટણીઓ એટલે કે વર્ષ 2002 અને વર્ષ 2007ની ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની વાત કરીએ તો નરેન્દ્ર મોદી તેમના ચૂંટણી પ્રચારમાં અને મતદાવ બાદ કેટલી બેઠકો મેળવશે તે અંગે દાવો કરતા આવ્યા છે. વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે 151 બેઠકો જીતવાનો દાવો કર્યો હતો. દાવો તો પૂરો ના થઇ શક્યો પણ ભાજપ સરકાર સત્તા પર આવી.

આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, ખાસ કરીને આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારોમાં થયેલા ઊંચા મતદાને બધાના ગણિત ખોટા પાડવાની શક્યતાઓ વધારી દીધી છે. સૌરાષ્ટ્રની બેઠકો પર કેશુભાઇ પટેલના બેટની બેટિંગ સામે ભાજપની બોલિંગ ઠંડી પડી જાય એવી પણ શક્યતા છે. આ કારણે ભાજપે તેના આંતરિક સર્વેમાં ધારેલી બેઠકો ગુમાવવી પડે એવી સ્થિતિ છે. આ કારણે નરેન્દ્ર મોદી શાંત બેઠા છે.

એક શક્યતા એ પણ છે કે ભાજપની આંધી ગુજરાતમાંથી અન્ય તમામને ઉખાડી ફેંકશે. આ અંગેની સ્પષ્ટતા 20 ડિસેમ્બરે જ શક્ય બનશે. નરેન્દ્ર મોદી તેલ નહીં તેલની ધાર જોઇ રહ્યા છે. આથી જ મતગણતરીના દિવસે ટ્રેન્ડ જોઇને મોટી જાહેરાત કરશે એમ માનવામાં આવી રહ્યું છે.

સોમવારે 17 ડિસેમ્બરે એલ કે અડવાણી અને અરૂણ જેટલી સાથે બંધ બારણે યોજેલી બેઠકમાં પણ મોદીએ સંભવિત સકારાત્મક અને નકારાત્મક શક્યતાઓની ચર્ચા કરી આગળ કેવી તૈયારી રાખવી તેની ચર્ચા કરી હોવાનું કહેવાય છે. હવે જોવાનું એ રહે છે કે નરેન્દ્ર મોદી 20 ડિસેમ્બરે પોતાનું મૌન તોડશે ત્યારે શું કહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X