• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિન પટેલ : એ પાટીદારોના નેતા, જેઓ બે વખત ગુજરાતના મુખ્ય મંત્રીની ખુરશી ચૂકી ગયા

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

વિજય રૂપાણીના ગુજરાતના મુખ્ય મંત્રીપદેથી રાજીનામા બાદ રાજ્યના આગામી CM તરીકે ચર્ચિત નામોમાં આગળ પડતાં નામો પૈકી એક નામ નીતિન પટેલનું પણ હતું.

પરંતુ રવિવારે ભાજપની કૉર કમિટીની બેઠક બાદ થયેલ ગુજરાતના નવા મુખ્ય મંત્રી તરીકે પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાનાર પાટીદાર નેતા ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલના નામની જાહેરાત થતા ફરી એક વાર નીતિન પટેલ રાજ્યના મુખ્ય મંત્રી બનવાથી ચૂકી ગયા હતા.

આ અગાઉ પણ વર્ષ 2016માં જ્યારે પાટીદાર આંદોલનને કારણે સર્જાયેલ અસંતોષને પગલે તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલે રાજીનામું આપવું પડ્યું હતું ત્યારે પણ ગુજરાતના આગામી મુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલનું નામ ચર્ચામાં હતું, પરંતુ ભાજપના મોવડીમંડળે પસંદગીનો કળશ વિજય રૂપાણી પર ઢોળ્યો હતો.

દાયકાઓથી ગુજરાતના રાજકારણમાં દબદબો ધરાવતા આ પાટીદાર નેતા પાસે કુશળ વહીવટીક્ષમતા હોવા છતાં તેઓ બબ્બે વખત રાજ્યના મુખ્ય મંત્રી બનવાથી ચૂકી ગયા છે.

આ અહેવાલમાં અમે તમને એમના જીવન વિશે કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો જણાવીશું.


ઉત્તર ગુજરાતના પટેલ નેતા

https://www.youtube.com/watch?v=X_Nd-uFsTAw

નીતિન રતિલાલ પટેલનો જન્મ 22મી જૂન 1956ના રોજ આજના મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક શ્રીમંત કુટુંબમાં થયો હતો.

પાટીદારોના સ્ટ્રૉન્ગહોલ્ડ ગણાતા ઉત્તર ગુજરાતમાં પટેલ સમાજના તેઓ મહત્ત્વના નેતા છે.

તેઓ દ્વિતીય વર્ષ બી. કૉમ. સુધીનો અભ્યાસ કર્યા બાદ પરિવારના વ્યવસાયમાં સંકળાઈ ગયા.

તેમનાં લગ્ન સુલોચનાબહેન પટેલ સાથે થયાં. તેમને જૈમિન અને સની નામે બે સંતાન છે.

ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર કરાયેલ ઉલ્લેખ પ્રમાણે તેઓ વાંચન અને સમાજસેવાનો શોખ ધરાવે છે.

તેઓ ભાજપના શરૂઆતના દિવસોથી પક્ષના પાયાના કાર્યકર તરીકે તેની સાથે જોડાયેલા હતા.

તેઓ 26 ડિસેમ્બર 2016થી 11 સપ્ટેમ્બર 2021 સુધી રાજ્યના નાયબ મુખ્ય મંત્રી રહી ચૂ્ક્યા છે.

આ સિવાય તેમની પાસે નાણાવિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવારકલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા યોજના, કલ્પસર યોજના અને પાટનગર યોજના વિભાગનો હવાલો હતો.


રાજકીય જીવનની શરૂઆત

નીતિન પટેલની અધિકૃત વેબસાઇટ પર દર્શાવેલ માહિતી અનુસાર તેમણે પોતાના જાહેર જીવનની વર્ષ 1974માં કડી તાલુકાની નવનિર્માણ સમિતિના જનરલ સેક્રેટરી તરીકે શરૂઆત થઈ હતી.

માત્ર 21 વર્ષની ઉંમરે તેઓ કડી નગરપાલિકામાં ચૂંટાઈ આવ્યા અને ત્યાં 15 વર્ષ સુધી કાર્યરત્ રહ્યા. તેમણે નગરપાલિકામાં વિવિધ પદો પર કાર્ય કર્યું.

1988-90 સુધી તેઓ કડી નગરપાલિકાના પ્રમુખ રહ્યા.

આ સિવાય તેઓ આઠ વર્ષ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅંકના ડિરેક્ટર પદ પર પણ રહ્યા.

1990-95માં આઠમી વિધાનસભાની નીતિન પટેલ ભાજપની બેઠક પરથી ચૂંટણીમાં કડી બેઠકથી કૉંગ્રેસના કરસનજી મગનજી ઠાકોર સામે 2,738 મતના નજીવા માર્જિનથી જીત્યા હતા.

આવી રીતે પ્રથમ વખત તેમનો ગુજરાતની રાજરમતના મુખ્ય મેદાનમાં એટલે કે ગુજરાત વિધાનસભામાં પ્રવેશ થયો.

ત્યાર બાદ 1995-97ની નવમી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ખૂબ જ ઓછા માર્જિન સાથે તેઓ કડી ખાતેથી કરસનજી ઠાકોર સામે જ જીત્યા હતા.

આ દરમિયાન જ તેમને સ્વાસ્થ્ય મંત્રાલયના કૅબિનેટમંત્રીનું પદ સોંપવામાં આવ્યું.

આ વખતે ભાજપને 182માંથી 121 બેઠકો મળી અને પક્ષ પ્રથમ વખત સત્તામાં આવવામાં સફળ રહ્યો.

1998ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરી એક વાર કડીથી વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા.

આ દરમિયાન તેમને મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા.

ત્યાર બાદ 1999માં તેમને નાની અને મધ્યમ કક્ષાની સિંચાઈ, રોડ અને બિલ્ડિંગ વિભાગ (પંચાયતનાં કામ)ની જવાબદારી સોંપાઈ.

ફરી વર્ષ 2001માં તેમને કૅબિનેટ કક્ષાના નાણામંત્રી નીમવામાં આવ્યા.


હારનો કરવો પડ્યો સામનો

વર્ષ 2002માં યોજાયેલી રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં તેમને પોતાની પરંપરાગત બેઠક કડી પરથી કૉંગ્રેસના બળદેવજી ચંદુજી ઠાકોર સામે તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો.

નોંધનીય છે કે આ ચૂંટણીમાં ભાજપની ગુજરાતમાં લહેર હોવાનું કહેવાઈ રહ્યું હતું તેમ છતાં તેઓ પોતાની બેઠક બચાવી શક્યા નહોતા.

ત્યાર બાદ યોજાયેલ વર્ષ 2007ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ફરી એક વાર કડી બેઠક પરથી જીતીને વિધાનસભા પહોંચ્યા.

આ વખત તેમને સિંચાઈ વિભાગના કૅબિનેટમંત્રી બનાવાયા. તેમજ પાણીપુરવઠા, શહેરીવિકાસ અને હાઉસિંગ વિભાગની જવાબદારી પણ સોંપાઈ.

2012ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને મહેસાણા વિધાનસભાની બેઠક પરથી ચૂંટવામાં આવ્યા અને આ વખતે પણ મંત્રીમંડળમાં મહત્ત્વના ગણાતાં કેટલાંક ખાતાં, જેમ કે નાણાં, સ્વાસ્થ્ય, તબીબી શિક્ષણ, પરિવારકલ્યાણ અને ટ્રાન્સપૉર્ટની જવાબદારી તેમને સોંપવામાં આવી.

ત્યાર બાદ વર્ષ 2014માં ફરી એક વાર કૅબિનેટકક્ષાના મંત્રી તરીકે તેમની નિમણૂક થઈ. જેમાં તેમને સ્વાસ્થ્ય અને તબીબી શિક્ષણ સહિત પરિવારકલ્યાણ, રોડ અને બિલ્ડિંગ, કૅપિટલ પ્રોજેક્ટ અને ટ્રાન્સપૉર્ટ વિભાગની જવાબદારી સોંપવામાં આવી.


સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સક્રિયતા

વર્ષ 2016માં ગુજરાતનાં તત્કાલીન મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલના રાજીનામા બાદ નીતિન પટેલને રાજ્યના મુખ્ય મંત્રી નીમવામાં આવશે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરાઈ રહી હતી. પરંતુ તેમના સ્થાને વિજય રૂપાણી પર પસંદગીનો કળશ ઢોળાયો હતો.

વર્ષ 2017માં પણ વિજય રૂપાણી જ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે કાયમ રહ્યા.

ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષના મોવડી મંડળ સાથે અમુક બાબતને લઈને ખટરાગ પેદા થતા તેઓ થોડા સમય સુધી નારાજ રહ્યા હોવાનું પણ કહેવાય છે. જોકે, છેલ્લે ઘીના ઠામમાં ઘી ઢળ્યું અને તેઓ ફરી ભાજપની પડખે આવી ગયા હતા.

તેઓ શરૂઆતથી જ ઘણી સામાજિક અને શૈક્ષણિક સેવા આપતી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા.

તેઓ 1984થી કડી APMCના ડિરેક્ટર રહ્યા હતા. ત્યારબાદ તેઓ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, ભાગ્યોદય જનરલ હૉસ્પિટલ, સંસ્કાર મંડળ, પાંજરાપોળ સંસ્થા, કડી ટ્રસ્ટ સ્કૂલ સાથે જોડાયા.


કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/yU1nrHB0VWw

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Nitin Patel: The leader of the Patidars who twice missed the Gujarat Chief Minister's chair
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X