રાજ્યમાં હજુ વરસાદથી રાહત નહીં, આ અઠવાડિયુ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
રાજ્યમાં વરસાદની સ્થિતી વચ્ચે ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક બેઠાઈ હતી. આ બેઠકમાં વરસાદની સ્થિતી અને આગામી દિવસોમાં વરસાદની સંભાવના પર ચર્ચા કરાઈ હતી.
ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરાઈ હતી.

રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે માહિતી આપતા હવામાન વિભાગે જણાવ્યુ કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારીએ જણાવ્યુ કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો છે અને પાણી આવક ચાલુ છે.
સિંચાઇ વિભાગે રાજ્યના જળાશયો અંગે માહિતી આ૫તા જણાવ્યું કે, રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૮૭ જળાશય હાઈએલર્ટ, ૧૬ જળાશય એલર્ટ અને ૧૫ જળાશય વોર્નિંગ પર છે. સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશય પૈકી ૧૧૯ જેટલા જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયેલા છે.
એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ. તરફથી જણાવાયુ કે, ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તેમજ તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
આ બેઠકમાં કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી., પંચાયત, કોસ્ટગાર્ડ, ઊર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.












Click it and Unblock the Notifications
