
પાલનપુરઃ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો
બનાસકાંઠામાં દીનદયાળ અંત્યોદય યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પાલનપુર ટાઉન હોલ ખાતે શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને કેશ ક્રેડીટ ધિરાણ કેમ્પ યોજાયો હતો. જેમાં જિલ્લાના ૧૭૧ સખીમંડળોને ૪૦.૯૦ લાખની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા અને ૨૧ ગ્રામ્ય સંગઠનોને ૩ કરોડથી વધુ લોનની રકમ મંજુર કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીએ કેશ ક્રેડિટ કેમ્પના સ્ટોલનું ઉદઘાટન કરી લાભાર્થીઓને સહાયના ચેકો એનાયત કર્યા હતા.
કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું કે, મહિલા સશક્તિકરણ માટે અનેક યોજનાઓ બનાવીને મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવી છે. તેમણે કહ્યું કે, મહિલા સ્વાવલંબનની વિવિધ યોજનાઓ, મહિલા લક્ષી કાયદાઓ અને કન્યા કેળવણી જેવા અનેકવિધ પ્રયાસોથી મહિલાઓનું સશક્તિકરણની સાથે મહિલાઓનું આત્મગૌરવ વધ્યુ છે. શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, કોર્પોરેટ ક્ષેત્ર એમ અનેકવિધ ક્ષેત્રે મહિલાઓનું યોગદાન વધી રહ્યું છે ત્યારે ગ્રામીણ ક્ષેત્રે પણ મહિલાઓ આર્થિક રીતે પગભર બની સખીમંડળની યોજના અને ગૃહઉદ્યોગ દ્વારા આત્મનિર્ભર બને અને નવું સ્ટાર્ટ અપ કરી આત્મસન્માનથી જીવન નિર્વાહ કરે એ માટે તેમણે શુભકામનાઓ પાઠવી હતી.
જિલ્લામાં કુલ- ૯,૫૦૦ જેટલા સખીમંડળો અને ૪૦૦ ગ્રામ સંગઠન કાર્યરત છે. કેશ ક્રેડિટ કેમ્પ થકી આર્થિક સહાય મેળવી મહિલાઓને આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરવા તેમણે અનુરોધ કર્યો હતો.