
Gujarat Assemly Election 2022: પંચમહાલના આ ગામમાં બોટ પર બેસીને મતદાન કરવા જાય છે લોકો
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના જુના મહેલાણ ગામના સિમલેટ બેટ ચારે તરફ પાનમ નદીના પાણીથી ઘેરાયેલું છે. આ સીમલેટ બેટમાં 70થી વધુ ઘરો હોવા સાથે 700થી 800ની વસ્તી છે. અહીં 40 વર્ષથી આ લોકો વસવાટ કરે છે. પુલ અને લાઈટ જેવી કોઈ સુવિધા ના હોવાથી સીમલેટ બેટના લોકો નાવડીમાં બારે માસ અવર જવર કરતા હોય છે. તેમજ દીવાના અજવાળે ભોજન લેતા હોય છે.
પંચમહાલના શહેરા તાલુકાના મહેલાણ ગામ પાસે આવેલ સિમલેટ બેટના મતદારોએ વિધાનસભા ચૂંટણીમાં જીવના જોખમે જળ યાત્રા કરીને મતદાન અવશ્ય કરતા હોય છે. 280 જેટલા મતદારો આજ રીતે ચૂંટણીમાં મતદાન કરવા નાવડીમાં જતા હોય છે.
દરેક ચૂંટણીની જેમ આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ અહીંના લોકો જીવના જોખમે એક કિ.મી.ની જળ યાત્રા કરીને મતદાન કરવા માટે મહેલાણ મતદાન મથક ખાતે આવ્યા હતા. સીમલેટ બેટમાં 280 જેટલા મતદારો છે. તે મતદારો દરેક ચૂંટણીમાં મતદાન અવશ્ય કરતા હોય છે. પાનમ નદીનું પાણી ઊંડું હોવા છતાં અહીંના સ્થાનિક લોકો નાવડીમાં બેસીને એક કી.મી. સુધી જળ યાત્રા કરીને મતદાન કરે છે.