પાટણઃ બે જૂથો વચ્ચેની હિંસક અથડામણમાં વધુ 1નું મોત
દસમાની પરીક્ષા આપવા આવેલ બે સમુદાયોના 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા મામુલી ઝગડાએ સાંપ્રદાયિક સંઘર્ષનું રૂપ ધારણ કર્યું હતું.
ગુજરાતના પાટણ જિલ્લામાં શનિવારે થયેલા સાંપ્રદાયિક સંઘર્ષ માં એક વ્યક્તિના મોત સાથે 20 લોકોને ઇજા થઇ હતી. આ ઘટનામાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયુ હોવાના સમાચાર છે.

ઉલ્લેખનીય છે, બોર્ડની પરીક્ષા આપવા જતી વખતે બે સમુદાયના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝગડાએ જોત-જોતામાં મોટુ રૂપ ધારણ કર્યું હતું. પાટણ-ચાણસ્મા વચ્ચે આવેલા વડાવલીમાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણા થઇ હતી, પરિસ્થિતિ તંગ બનતા મકાનોમાં અને વાહનોમાં આગ ચાંપવાની ઘટના પણ બની હતી.

આ ઘટના બાદ હારીજ, પાટણ, ચાણસ્મા સહિતનો પોલીસનો કાફલો અહીં ખડકવામાં આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ નિયંત્રણમાં લઇ જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પાટણના પોલીસ અધિક્ષક એ.જી.ચૌહાણે મીડિયાને જાણકારી આપતાં કહ્યું કે, દસમા ધોરણની પરીક્ષા આવેલા બે સમુદાયના બે વિદ્યાર્થી વચ્ચે નાનકડો ઝગડો થયો હતો, જેણે સાંપ્રદાયિક સંઘર્ષનું રૂપ ધારણ કર્યું હતું. બંન્ને વિદ્યાર્થીઓના ઝગડા બાદ એક સમુદાયના લોકો હથિયાર લઇ ગામ પહોંચ્યા હતા અને અન્ય સમુદાયના લગભગ 90 ઘરોમાં આગ ચાંપી હતી. જે પછી બંન્ને સમદાયના લોકો વધુ ઉગ્ર બનતા આ બનાવમાં 2 વ્યક્તિનું મૃત્યુ થયુ હતું તથા 20 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
ઉગ્ર ભીડને છૂટી પાડવા માટે પોલીસે સાત રાઉન્ડ ગોળીબાર કરવો પડ્યો હતો. પોલીસ અધિકારી અનુસાર હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, ગામ પણ પોલીસ અધિકારીઓ ખડે પગે હાજર છે. આ મામલે હજુ સુધી કોઇની ધરપકડ નથી થઇ.












Click it and Unblock the Notifications
