
પાટીદાર આંદોલન : છ વર્ષમાં કેટલી માગો હજી અધૂરી અને કેટલી પૂરી થઈ?
પાટીદાર આંદોલન વખતે પોલીસ અને સુરક્ષાદળો સાથેના ઘર્ષણમાં જીવ ગુમાવનાર પાટીદાર સમાજના લોકોની યાદમાં અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં પાટીદાર સમાજના લોકો અને આગેવાનોએ સાથે મળીને કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
જેમાં પાટીદાર સમાજના લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાની સાથેસાથે આંદોલનને આગળ ધપાવવાનો પોતાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
વર્ષ 2015માં અનામત માટે થયેલા પાટીદારોના આંદોલન વખતે સુરક્ષાદળો સાથે થયેલા ઘર્ષણને પગલે પાટીદાર સમાજના અમુક લોકોએ જીવ ગુમાવ્યા હતા.
બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ આ કાર્યક્રમમાં હાજર આગેવાનો સાથે વાત કરી અને આગળની તેમની યોજનાઓ અને માગણીઓ અંગે પણ પ્રશ્નો પૂછ્યા.
એ પહેલાં એ પણ જાણીએ કે ગુજરાતના પાટીદારોને આંદોલન કરવાની જરૂર શી પડી હતી?
https://www.youtube.com/watch?v=TpSAG1pM8i4
- ગુજરાતમાં ઓછા વરસાદને લીધે દુકાળનો ભય, ડૅમોમાં કેટલું પાણી બચ્યું છે?
- સત્તામાં પાટીદાર, વિપક્ષમાં પાટીદાર છતાં વચનો નિભાવવાનો પોકાર?
કેમ થયું હતું પાટીદાર આંદોલન?

ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા આ આંદોલનનાં મૂળિયાં ઉત્તર ગુજરાત સાથે જોડાયેલાં હોવાનું મનાય છે.
પાટીદારોના એક જૂથ સરદાર પટેલ ગ્રૂપના સભ્યોની 'સમાજને અન્ય પછાત વર્ગમાં સમાવી લઈ અનામતનો લાભ આપવા'ની માગણી સાથે આ આંદોલન શરૂ થયું હતું. જે ધીરે-ધીરે સમગ્ર રાજ્યમાં પ્રસરવા લાગ્યું.
નોંધનીય છે કે તે સમયે હાર્દિક પટેલ અને તેમના સાથીદારોએ આ આંદોલનની ધુરા સંભાળેલી હતી.
આંદોલન અંતર્ગત લગભગ 25 લાખ જેટલા પાટીદાર સમાજના લોકો સમગ્ર રાજ્યમાંથી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા. હાર્દિક પટેલની ધરપકડ બાદ પોલીસ અને પાટીદાર સમાજના લોકો વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.
જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા, જ્યારે પાટીદાર સમાજના અમુક લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં.
વિશ્લેષકો કહે છે કે આ આંદોલનના કારણે જ રાજ્યનાં પ્રથમ મહિલા મુખ્ય મંત્રી એવાં આનંદીબહેન પટેલને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
આંદોલનમાં ભાગ લેનારા ઘણા લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેને હઠાવવાની માગ ઘણા સમયથી પાટીદાર સમાજના આગેવાનો કરી રહ્યા છે.
આ આંદોલન થયું, એ પછી છ વર્ષ વીતી ગયાં છે છતાં આ ઘટનાના પડઘા હજુ પડી રહ્યા છે.
હજુ પણ છાશવારે પાટીદાર સમાજને અન્ય પછાત વર્ગમાં સમાવી લેવાની અને અનામતનો અલાયદો લાભ આપવાની વાતો ઊઠતી રહે છે.
પાટીદાર આંદોલન વખતે થયેલા પાટીદારોના દમન અંગે આજે પણ સમાજના લોકોનાં મનમાં સરકાર સામે આક્રોશ જોવા મળે છે.
- ગુજરાતના રાજકારણમાં પટેલોએ કઈ રીતે પોતાનો સિક્કો જમાવ્યો?
- ગુજરાતના પૉલિટિક્સમાં પટેલોનો દબદબો છતાં ફરીથી પાટીદાર મુખ્ય મંત્રીની માગ કેમ થઈ રહી છે?
'પાટીદાર ક્રાંતિ દિવસ'
નોંધનીય છે કે આંદોલન વખતે GMDC ગ્રાઉન્ડ પર સભા મળવાની હતી, એ દિવસને સમાજના અમુક આગેવાનોએ 'પાટીદાર ક્રાંતિ દિવસ' ગણાવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા એ સમયે કરાયેલી કાર્યવાહીને વખોડતાં આગેવાન ગીતાબહેન પટેલ જણાવે છે, "પાટીદાર સમાજને અનામત જોઈતી હતી અને જો સરકાર થોડા જ સમયમાં આર્થિક આધાર પર અનામત આપવાની હતી, તો યુવાનો પર ગોળીઓ ચલાવવાની અને કેસ કરવાની ક્યાં જરૂર હતી?"
"પાટીદાર સમાજની માગણીઓ અનુસાર આર્થિક આધાર પર અનામત આપી શકાતી હતી, તો સમાજને રોડ પર આવવું પડ્યું, એવી પરિસ્થિતિ શું કામ સર્જવામાં આવી?"
ભાજપના ઉદયમાં પાટીદાર સમાજના ફાળા વિશે વાત કરતાં તેઓ કહે છે, "અમારા સમાજે તન, મન અને ધનથી મદદ કરીને ભાજપને બેઠો કર્યો છે, પક્ષને ઊભો કરવામાં પાટીદાર સમાજનો સિંહફાળો છે, જે ભુલાવી શકાય નહીં."
"આવા મદદગાર સમાજે, જ્યારે પોતાના હકની વાત કરી, ત્યારે આ જ સમાજના યુવાનોને ગોળીએ દેવાની શી જરૂર હતી?"
નોંધનીય છે કે આ આંદોલન દરમિયાન 14 જેટલા પાટીદાર સમાજના લોકોનાં મૃત્યુ થયાં હતાં.
- એ નેતા જેમણે ભૂમિવિહોણા પાટીદારોને જમીનદાર બનાવ્યા
- ભાજપ સરકાર સાથે સમાધાન બાદ પણ પાટીદારોના કેસ પાછા કેમ ન ખેંચાયા?
મૃતકોના પરિવારજનોની આર્થિક ભીંસ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આ આંદોલન સમયે જીવ ગુમાવનારી વ્યક્તિઓના પરિવારજનો હવે ખૂબ જ કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોવાનું પાટીદારોના આગેવાન સુરેશ પટેલ જણાવે છે અને સરકારને તેમની મદદ કરવા માટે આગ્રહ કરે છે.
તેઓ કહે છે કે, "અમારા વસ્ત્રાલ પાટીદાર સમાજ અને સરદાર પટેલ સેવાદળ જૂથ દ્વારા પણ તેમની કેટલીક વખત મદદ કરાઈ છે, પરંતુ તે પૂરતી નથી હોતી."
"હું તમારા માધ્યમથી સરકારને રજૂઆત કરું છું કે તેમને યોગ્ય આર્થિક મદદ કરવામાં આવે, જેથી કુટુંબની નાણાકીય તાણ દૂર થઈ શકે."
સુરેશ પટેલ સરકારે આપેલાં વચનો યાદ કરાવતાં કહે છે, "આંદોલન સમયે અમારા પાટીદાર સમાજના આગેવાનોને આપેલાં તમામ વચનો સરકાર પાળે અને તે મુજબ કાર્યવાહી કરે તેવી અમારી રજૂઆત છે."
અહીં નોંધનીય છે કે અસરગ્રસ્ત પરિવારના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહોતા.
તેમની ગેરહાજરી વિશે પૂછતાં સમાજના અમુક લોકોએ જણાવ્યું કે તેમને આમંત્રણ અપાયું હતું, પરંતુ કદાચ તેઓ સરકારનાં દબાણ કે બીકને પગલે આ કાર્યક્રમમાં હાજર રહ્યા નથી.
સરકારને ચેતવણી
પાટીદાર સમાજના લોકો સમાજની માગોને પૂરી કરવા માટે સરકારને ચેતવણી આપી રહ્યા છે.
વસ્ત્રાલના રહેવાસી અને પટેલ સમાજના એક સભ્ય ગણપતભાઈ પટેલ પાટીદાર આંદોલનને અન્યાય સામેનું આંદોલન ગણાવે છે.
ગણપતભાઈ પટેલ જણાવે છે, "સમાજ સાથે થતાં અન્યાય સામે અવાજ બુલંદ કરવા માટે અમે એક મિટિંગનું આયોજન કરવાના છીએ."
"સમાજને અન્ય પછાત વર્ગમાં સમાવી લેવાની માગણી સરકારે હજુ સ્વીકારી નથી, જેને લઈને આગામી દિવસોમાં આંદોલન કરાશે."
આગેવાન ધર્મેન્દ્ર પટેલ સરકારને ચેતવણી આપતાં કહે છે, "અમે, સમાજના આગેવાનો અને વિવિધ સંસ્થાઓ મળીને અવારનવાર સરકાર સમક્ષ રજૂઆતો કરીએ છીએ. પરંતુ સહનશીલતાની એક હદ હોય છે."
"સરકારે આંદોલન સમયે પાટીદાર સમાજના લોકો સામે કરેલા તમામ કેસો રદ કરવા જ પડશે. જો ટૂંક સમયમાં આવું નહીં થાય તો સરકારે તેનાં પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડશે."
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=rIFMd-hdHlw
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો