હરેન પંડ્યાની હત્યાની નવેસરથી તપાસ અંગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ અરજી
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યાની નવેસરથી તપાસ કરવાની માંગ અંગે એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી હરેન પંડ્યાની મોતના 16 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં આ અરજી એક એનજીઓ તરફથી પ્રસિદ્ધ વકીલ પ્રશાંત ભૂષણે દાખલ કરી છે. પ્રશાંત ભૂષણના માધ્યમથી દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યુ છે કે હાલમાં જ પ્રકાશમાં આવેલી અમુક ચોંકાવનારી જાણકારીના કારણે આ અરજીની જરૂરિયાત ઉભી થઈ છે.
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની 2003માં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાની તપાસ કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI) એ કરી હતી. ટ્રાયલ કોર્ટે હત્યા માટે 12 વ્યક્તિઓને દોષિત ગણાવ્યા હતા પરંતુ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે તેમને એમ કહીને છોડી મૂક્યા કે તપાસ એજન્સીએ પોતાની તપાસમાં વિસંગતતા દર્શાવી છે.
વાસ્તવમાં સોહરાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કાંડના એક સાક્ષી આઝમ ખાને ગયા શનિવારે (નવેમ્બર 2018) ના રોજ એક નીચલી અદાલતને જણાવ્યુ કે સોહરાબુદ્દીને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની હત્યા કરી હતી. સાક્ષીએ દાવો કર્યો કે ગુજરાતના પૂર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારાએ પંડ્યાની હત્યાના કથિત આદેશ આપ્યા હતા. આઝમ ખાને કોર્ટમાં જજ સામે પોતાનુ નિવેદન નોંધાવીને કહ્યુ કે સોહરાબુદ્દીન શેખે તેને કહ્યુ હતુ કે તેને ડી જી વણઝારા દ્વારા હરેન પંડ્યાને મારવાની સોપારી આપવામાં આવી હતી જેને તેણે અંજામ પણ આપ્યો હતો.
આ પણ વાંચોઃ ભારતમાં રોજ પેદા થાય છે 26000 ટન પ્લાસ્ટિક કચરો, ટોપ પર છે આ શહેર