પીએમ મોદીએ સુઝુકીના હાંસલપુર પ્લાન્ટથી પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ ઈ-વિટારાને પ્રસ્થાન કરાવ્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના હાંસલપુર સ્થિત મારુતિ-સુઝુકી પ્લાન્ટ ખાતે એક ઐતિહાસિક ઘટનાને લીલી ઝંડી આપી. તેમણે સુઝુકીના પ્રથમ બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ (BEV) ઈ-વિટારાને પ્રસ્થાન કરાવ્યું અને લિથિયમ આયન બેટરી સેલ તથા ઇલેક્ટ્રોડના ઉત્પાદનનો શુભારંભ કરાવ્યો.
આ પ્રસંગે ભારત અને જાપાનની મિત્રતાની મજબૂતીની વાત કરતાં તેમણે 'મેડ ઇન ઇન્ડિયા' વાહનો વિશ્વભરમાં પહોંચશે તે માટે ગૌરવ વ્યક્ત કર્યો.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' ના લક્ષ્ય તરફ એક મોટી છલાંગ છે. તેમણે કહ્યું કે હવેથી ૧૦૦ થી વધુ દેશોમાં ફરતા ઇલેક્ટ્રિક વાહનો પર 'મેઇડ ઇન ઇન્ડિયા' લખેલું હશે, જે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે. આ પ્રોજેક્ટથી ભારત ગ્રીન મોબિલિટી માટે વૈશ્વિક હબ તરીકે ઉભરી આવશે.
તેમણે 'વોકલ ફોર લોકલ' ની વ્યાખ્યાને વિસ્તારતા કહ્યું કે, રોકાણ ભલે કોઈપણ દેશનું હોય, પણ જો તેમાં ભારતીયનો પરસેવો હોય અને તે વસ્તુ ભારતની ભૂમિ પર બની હોય, તો તે આપણા માટે 'સ્વદેશી' જ છે. આ પ્રોજેક્ટમાં ૮૦% બેટરીનું ઉત્પાદન ભારતમાં જ થશે, જે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે.
વડાપ્રધાને ભારત અને જાપાનની મિત્રતાને 'મેઇડ ફોર ઇચ અધર' ગણાવી. તેમણે સ્વર્ગસ્થ ઓસામો સુઝુકીના યોગદાનને યાદ કરીને કહ્યું કે તેમના વિઝનનું આ પરિણામ છે. આ મિત્રતા સુઝુકી કંપનીથી શરૂ થઈને હવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સુધી પહોંચી છે.
તેમણે ઉમેર્યું કે, 'વાઇબ્રન્ટ ગુજરાત' ગ્લોબલ સમિટના સમયથી જ જાપાન ગુજરાતનું મહત્ત્વનું ભાગીદાર રહ્યું છે, જે આ સંબંધોનો મજબૂત પાયો દર્શાવે છે.
વડાપ્રધાન મોદીએ ભારતના 'ડેમોક્રેસી' અને 'ડેમોગ્રાફી' ના ફાયદાઓ પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે ભારત પાસે કુશળ કાર્યબળ છે, જે અહીં ઉત્પાદન માટે આવનારી દરેક કંપની માટે 'વિન-વિન સિચ્યુએશન' ઊભી કરે છે.
મારુતિ-સુઝુકી જેવી કંપનીઓ જાપાન સહિત અન્ય દેશોમાં ભારતમાં બનેલી ગાડીઓ એક્સપોર્ટ કરીને ભારતની વિશ્વસનીયતાનો પુરાવો આપે છે.
વડાપ્રધાને જણાવ્યું કે છેલ્લા દસ વર્ષમાં કેન્દ્ર સરકારે લીધેલી નીતિઓના કારણે દેશમાં ઉદ્યોગોનો વિકાસ ઝડપી બન્યો છે.
તેમણે રાજ્યોને સુધારા, સુશાસન અને પ્રો-ડેવલપમેન્ટ પોલિસી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા, જેથી રોકાણકારોનો વિશ્વાસ વધે અને વિકસિત ભારત @ ૨૦૪૭ નું નિર્માણ થઈ શકે. તેમણે સેમિકન્ડક્ટર અને ક્રિટિકલ મિનરલ મિશન જેવા ભવિષ્યલક્ષી ક્ષેત્રોમાં ભારતના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાણંદ અને માંડલ-બેચરાજી જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજિયન વિકસિત ભારતના વિઝનનું જીવંત ઉદાહરણ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ ઓટોમોબાઇલ ક્લસ્ટર્સ ગુજરાતને વિશ્વનું ઓટોમોટિવ હબ બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું કે ગુજરાત અને જાપાનનો સંબંધ વિશ્વાસ, વ્યાપાર અને સંસ્કારનો છે.
આ કાર્યક્રમમાં જાપાનના રાજદૂત કેઇચી ઓનો અને સુઝુકીના ટોચના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
