Somnath Swabhiman Parv: સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો વિરોધ કરનારી શક્તિઓ હજુ સક્રિય: PM મોદી
Somnath Swabhiman Parv: PM નરેન્દ્ર મોદીએ આજે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે આયોજિત જનસભાને સંબોધતા PMએ દેશના ગૌરવવંતા ઇતિહાસ, આક્રમણકારોના અત્યાચાર અને આઝાદી પછીની રાજકીય માનસિકતા પર આકરા પ્રહારો કર્યા હતા.

સોમનાથના ગૌરવને ભૂંસવાનો પ્રયાસ થયો: PM મોદી
PM મોદીએ જણાવ્યું હતું કે, સોમનાથનો ઇતિહાસ એ માત્ર વિનાશની ગાથા નથી, પરંતુ તે અદમ્ય સાહસ અને પુનઃનિર્માણનું પ્રતીક છે. તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, "આઝાદી પછી ગુલામીની માનસિકતા ધરાવતા લોકોએ ભારતના હજારો વર્ષ જૂના વારસાને ભૂલી જવાનો પ્રયાસ કર્યો. સોમનાથના રક્ષણ માટે જે બલિદાનો આપવામાં આવ્યા, તેને ક્યારેય યોગ્ય સન્માન આપવામાં આવ્યું નહીં."
વધુમાં તેમણે ઉમેર્યું કે, "કેટલાક ઇતિહાસકારો અને રાજકારણીઓએ આક્રમણકારોના કાળા ઇતિહાસને 'વ્હાઇટ વોશ' કરવાનો (સાફ કરવાનો) પ્રયત્ન કર્યો હતો. આજે પણ જે શક્તિઓ સરદાર પટેલના પુનઃનિર્માણના સંકલ્પનો વિરોધ કરતી હતી, તેઓ દેશમાં અસ્તિત્વ ધરાવે છે."
આક્રમણકારોની તલવાર કરતા સોમનાથનું 'અમૃત' ભારે પડ્યું
ઇતિહાસના પાના ઉથલાવતા PM મોદીએ કહ્યું કે, "મહમૂદ ગઝનીથી લઈને ઔરંગઝેબ સુધીના અનેક આક્રમણકારોએ સોમનાથ પર હુમલો કર્યો. તેમને લાગતું હતું કે તેમની તલવારો વિજય મેળવી રહી છે, પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે સોમનાથના નામમાં જ 'સોમ' એટલે કે 'અમૃત' છે, જે ક્યારેય મરતું નથી. આજે પણ આ મંદિર પર લહેરાતી ધ્વજા ભારતની અજેય તાકાતની સાક્ષી પૂરે છે."
PM મોદીની સોમનાથ ભક્તિ: પૂજા-અર્ચના અને ઢોલ વગાડ્યો
જનસભા પહેલા PMએ સોમનાથ મંદિરમાં આશરે 30 મિનિટ સુધી વિશેષ પૂજા કરી હતી. તેમણે શિવલિંગ પર જળાભિષેક, પુષ્પાભિષેક અને પંચામૃત પૂજન કર્યું હતું. આ દરમિયાન તેઓ ભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. પૂજા બાદ તેમણે સ્થાનિક કલાકારો અને પૂજારીઓ સાથે મુલાકાત કરી હતી અને પરંપરાગત ઢોલ વગાડીને ઉત્સાહમાં વધારો કર્યો હતો.
મુખ્ય અંશો:
- સતર્કતાનો સંદેશ: PM મોદીએ દેશને વિભાજીત કરનારી શક્તિઓ સામે એક થઈને રહેવા અને સતર્ક રહેવા અપીલ કરી.
- વારસાનું ગૌરવ: ભારત પાસે હજારો વર્ષ જૂની ઓળખ છે, જેને વિશ્વ સમક્ષ ગર્વથી મૂકવાની જરૂર છે.
- સેવાની તક: સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે PMએ આ કાર્યક્રમમાં હાજરી આપવાને પોતાનું પરમ સૌભાગ્ય ગણાવ્યું.












Click it and Unblock the Notifications
