Rahul gandhi in gujarat : ગુજરાત કોંગ્રેસના શુદ્ધિકરણની તૈયારીમાં રાહુલ ગાંધી, નેતાઓની દગાબાજીથી ખફા
Rahul gandhi in gujarat : ગુજરાતના પ્રવાસે રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમદાવાદમાં આકરા પાણીએ જોવા મળી રહ્યાં છે. શનિવારે એક કાર્યક્રમ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટીના ભવિષ્ય અને સંગઠન અંગે ઘણી વાતો કરી.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને મંચ પરથી કહેવા માંગુ છું કે કોંગ્રેસ પાર્ટી ગુજરાતને માર્ગદર્શિત કરવામાં સક્ષમ નથી.

તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના લોકો છે, એક જે જનતાની સાથે ઊભા છે અને કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે અને બીજા જે જનતાથી દુર છે અને ભાજપમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસની સ્થિરતા માટે આ બંને જૂથોને અલગ પાડવા જરૂરી છે.
અમદાવાદમાં આયોજિત કાર્યકર સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતના લોકો એક વિકલ્પ ઈચ્છે છે. મારી જવાબદારી એ છે કે હું કોંગ્રેસમાં રહેલા વિસંગત તત્વોને દૂર કરું. પાર્ટીમાં સમર્પિત અને વફાદાર નેતાઓ માટે જગ્યા છે પરંતુ જે લોકો અંદરથી ભાજપ માટે કામ કરી રહ્યા છે તેમને પાર્ટી છોડવી પડશે.
રાહુલ ગાંધીએ કડક વલણ દાખવતાં જણાવ્યું કે, જો 10, 15, 20, 30 લોકોને પક્ષમાંથી કાઢી મૂકવા પડે તો એ કરી દેવું જોઈએ. તેઓએ ભાજપ માટે જ કામ કરવું હોય તો ખુલ્લેઆમ કરવું જોઈએ, કોંગ્રેસમાં તેમની માટે કોઈ જગ્યા નથી. સંગઠનની પુનઃસ્થાપન માટે આ જરૂરી છે.
તેમણે સ્વીકાર્યું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સરકારે શાસન કર્યું નથી અને અહીંની જનતા સાથે મજબૂત સંબંધ બાંધવા માટે પ્રયત્નો થવા જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, કોઈપણ ચૂંટણી જીતવા માટે માત્ર વોટ માગવાથી નહીં થાય પરંતુ ગુજરાતના યુવાનો, ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને મહિલાઓની સમસ્યાઓને સમજવી પડશે. તેમણે કાર્યકરોને જનતાની વચ્ચે જવા અને તેમની સમસ્યાઓ સાંભળવા કહ્યું.
રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે, હું કોંગ્રેસનો છું અને હું કહેવા માંગુ છું કે હાલની સ્થિતિમાં કોંગ્રેસ ગુજરાતના લોકોને માર્ગદર્શન આપી શકતી નથી. જો આપણે ગુજરાતના લોકોનો આદર કરીએ તો આ હકીકત સ્વીકારીને યોગ્ય પગલાં ભરવા પડશે. ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી મજબૂત બનાવવા માટે જનસંપર્ક, નીતિ અને સંગઠનના સુધારાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો.
આ વક્તવ્ય દ્વારા રાહુલ ગાંધીએ ગુજરાતમાં કોંગ્રેસની ભૂમિકા અને ભવિષ્ય માટે એક નવી દિશા નિર્ધારિત કરવાનો પ્રયાસ કર્યો છે.












Click it and Unblock the Notifications
